(એજન્સી) તા.૧૦
૧૦ ઓગસ્ટ સોમવારના રોજ બંધારણીય(અનુસૂચિત જાતિ) આદેશ, ૧૯૫૦ની ૭૦મી વર્ષગાંઠ હતી. આ આદેશ હેઠળ દેશમાં અનુસૂચિત જાતિ હેઠળ આવતા તમામ સમુદાયોની ઓળખ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બંધારણીય (અનુસૂચિત જાતિ) આદેશ, ૧૯૫૦માંથી મુસ્લિમો અને ખ્રિસ્તીઓને બાકાત રખાયા હતા. ત્યારથી જ આ બંને સમુદાયના લોકો આ દિવસને કાળા દિવસ તરીકે મનાવે છે અને પોતાનો વિરોધ વ્યક્ત કરતાં આ આદેશને ભેદભાવપૂર્ણ ગણાવે છે. તેઓ પોતાની દલીલમાં કહે છે કે આવા આદેશને લીધે અમારા મૂળભૂત અધિકારોનો ભંગ કરાયો છે. બંધારણીય (અનુસૂચિત જાતિ) આદેશ, ૧૯૫૦ના ત્રીજા ફકરામાં જણાવાયું છે કે રાષ્ટ્રપતિના આદેશ અનુસાર “હિન્દુ ધર્મથી અલગ ધર્મનો દાવો કરનાર કોઈપણ વ્યક્તિ અનુસૂચિત જાતિનો સભ્ય માનવામાં આવશે નહીં.” જોકે આ સ્પષ્ટપણે દર્શાવી દે છે કે બંધારણની ભાવના ભલે લોકોને સમાનતાનો હક આપતી હોય પણ આવો આદેશ તે ભાવનાને જ ઠેસ પહોંચાડે છે. જોકે લોકોના વિરોધ પછી ૧૯૫૬માં શીખ દલિતો અને ૧૯૯૦માં બૌદ્ધ દલિતોને અનુસૂચિત જાતિમાં સમાવી લેવાયા હતા. જોકે હજુ પણ આજના સમય સુધીમાં ખ્રિસ્તી તથા ઈસ્લામ ધર્મના લોકોને આ યાદીમાં સમાવાયા નથી. ઉલ્લેખનીય છે કે અનુસૂચિત જાતિમાં હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મના લોકોને મળતાં લાભોને ખ્રિસ્તીઓ અને મુસ્લિમો નકારે છે, આ ભેદભાવને પડકારતી અરજી સુપ્રીમકોર્ટમાં છેલ્લાં એક વર્ષથી પડતર છે. ભારતમાં અનુસૂચિત જાતિનો દરજ્જો અત્યંત કટ્ટરતા સાથે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પછાત જેવા માપદંડોના આધારે અસ્પૃશ્યતાનો સામનો કરનારાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. દલિતોને ભારતમાં અત્યંત ક્રૂર રીતે અપમાનિત કરવામાં આવે છે. તેમને ઠેર ઠેર પોતાના જ ધર્મના લોકો દ્વારા અસ્પૃશ્યતાથી પીડિત કરવામાં આવે છે. તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે. સોસાઈ (૧૯૮૫)ના કેસને જ જોઈ લો. તે ચેન્નઈના કોબલર સમુદાયના હતા જે આદિ દ્રવિડ જાતિના કહેવાય છે. ખ્રિસ્તી સમુદાયમાં પરિવર્તત થતાં પહેલાં તેઓ આદિ દ્રવિડ જાતિના હતા. તેઓ આજે પણ અસ્પૃશ્યતાનો સામનો કરે છે. તેમની જાતિ આજે પણ અનુસૂચિત જાતિમાં સામેલ છે. જોકે ખ્રિસ્તી સમુદાયમાં ધર્મપરિવર્તન કરવા છતાં તેમની સામાજિક અને આર્થિક દરજ્જામાં કોઈ પરિવર્તન થયું નહોતું. પરંતુ જ્યારે મફતમાં આ જાતિના લોકોને બેડ ફાળવાયા તો સોસાઇને કહી દેવાયું કે તમ હિન્દુ કે શીખ નથી એટલે તમને તેનો લાભ નહીં મળે.