(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૬
જ્ઞાન અને તાલિમ હાંસલ કરી ઉંચાઇસર કરી શકાય છે. જ્ઞાન જ સર્વસ્વ છે. બંધારણ દરેક ભારતીયનો ધર્મ છે. માનવીને સન્માર્ગે લઇ જવાની વાત કુઓનમાં કરી છે. તેમ વેદમાં પણ આ વાતનો ઉલ્લેખ જોવા મળે છે તેમ આજે મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના ઉપક્રમે યાકુતપુરા સ્થિત શાળામાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં વિદ્યાર્થી તથા વાલીઓને સંબોધન કરતા એમ.એસ. યુનિ.ના પૂર્વ વાઇસ ચાન્સેલર ડા. અનિલ કાણેએ જણાવ્યું હતું. મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીની સ્થાપનાને ૭૫ વર્ષ પૂર્ણ થયા હોવાથી પ્લેટીનમ જ્યુબિલીની ઉજવણી પ્રસંગે તેઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ટૂંકા વકતવ્યમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ જેટલું જ્ઞાન મેળવે તેટલું ઓછુ છે. જ્ઞાન અને તાલિમ પ્રાપ્ત કરી ઉંચાઇસર કરનારા મહાન વ્યકિતઓનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, ડા. અબ્દુલ કલામ, ફકરૂદ્દીન અલીઅહેમદ વગેરે મહાનુભાવોએ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યા હતા. જ્ઞાન પ્રાપ્ત કરનારાને આગળ વધતા કોઇ અટકાવી શકે નહીં. તેમણે એમઇએસ હાઇસ્કૂલના આચાર્યો, શિક્ષકો અને સંચાલકોને શુભેચ્છા પાઠવી હતી. શાળાની વધુ પ્રગતિ થાય તેવી શુભેચ્છા આપી હતી. અમેરિકામાં ફલોરિડાનાં કાર્ડિયાક સર્જન અને અમેરિકા સ્થિત આફમી સંસ્થાના પૂર્વ પ્રમુખ ડા. હુશેન નાગામીયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કન્યાઓને સૌથી વધુ પ્રોત્સાહન આપવું જોઇએ. કન્યા ભણશે તો આખા પરિવારને ભણાવશે. પ્રાસંગિક પ્રવચન કરતા અતિથિ વિશેષ ડા. જે.એસ. બંદૂકવાલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગામે ગામ મુસ્લિમ શાળાઓ ઉભી થઇ છે. પરંતુ ગુણવત્તા યુકત શિક્ષણ મળ્યું નથી. ધોરણ-૧૦માં નપાસ થનાર વિદ્યાર્થીનું ભાવી અંધકારમય હોય છે. વડોદરામાંથી દર વર્ષે માત્ર ૩૦ વિદ્યાર્થીઓજ ઇજનેર કે તબીબ થાય છે. પરંતુ ૩૦૦ વિદ્યાર્થીઓ ધોરણ-૧૦માં નિષ્ફળ જાય છે. વાંકાનેરના ધારાસભ્ય જાવેદ પીરઝાદાએ અતિથિ વિશેષ પદેથી ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી ગુણવત્તા યુકત શિક્ષણ આપવામાં નહીં આવે ત્યાં સુધી સમાજ આગળ નહીં આવે. શિક્ષણ માટે માત્ર શિક્ષકોએ જ નહિં વાલીઓએ પણ રસ લેવો પડશે. મુસ્લિમ સમાજમાં ઉદ્યોગપતિઓ, નોકરિયાતો, રાજનેતાઓની સંખ્યા ઓછી છે. કારણ કે આપણે પૂર્ણતઃ જાગૃત નથી. આવકાર પ્રવચનમાં યદુલ્લા સૈયદે સંસ્થાના અહેવાલ સહિત મહેમાનોનો પરિચય આપ્યો હતો. સોસાયટીના જનરલ સેક્રેટરી વકીલ મોઇનુદ્દીન ટી. રીફાઇએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌને ધન્યવાદ આપી આભાર વિધી કરી હતી.