(એજન્સી) રાંચી, તા.૧૬
ઝારખંડમાં ર૯મી જૂન ર૦૧૭ના રોજ રામગઢ જિલ્લામાં એક વ્યક્તિ અલીમુદ્દીન અન્સારીની ઢોરમાર મારી હત્યા કરાઈ હતી એ કેસમાં ભાજપના સ્થાનિક નેતા સહિત ૧૧ આરોપીઓને કોર્ટે દોષી જાહેર કર્યા છે. અલીમુદ્દીનની હત્યા કહેવાતા ગૌરક્ષકો દ્વારા કરાઈ હતી. ર૦૧૪માં જ્યારથી મોદી સરકાર સત્તામાં આવી હતી ત્યારથી ગૌરક્ષકો ગાયના રક્ષણના નામે, બીફના નામે ખાસ કોમ ઉપર હુમલાઓ કરતા હતા. આ પ્રથમ એવી ઘટના ર૦૧૪ પછીની છે જેમાં આરોપીઓને દોષી ઠરાવવામાં આવ્યા છે. અન્સારી એક માંસનો વેપારી હતો જેની ઉપર હુમલો કરી હત્યા કરાઈ હતી.
કેસમાં દોષી જાહેર કરાયેલ આરોપીઓને ર૦મી માર્ચે સજા સંભળાવવામાં આવશે. બધા આરોપીઓને ઈપીકોની કલમ ૩૦ર હેઠળ દોષી જાહેર કરાયા છે. વધુમાં ત્રણ આરોપીઓને કલમ ૧ર૦ બ હેઠળ દોષી ઠરાવાયા છે. પોલીસે જણાવ્યું કે, હત્યા યોજના ઘડ્યા પછી કરાઈ હતી.
બચાવ પક્ષના વકીલે જણાવ્યું કે, અમે અપીલ કરીશું. અઠવાડિયાઓ પહેલાં પોલીસે જણાવ્યું હતું કે હત્યાના આરોપીઓમાંથી નિત્યાનંદ મહાતો જે ભાજપ નેતા છે એમની સાથે અન્ય આરોપીઓની ધરપકડ કરાઈ હતી. બીજા એક મુખ્ય આરોપી છોટુરાનાએ આત્મસમર્પણ કર્યું હતું. ર૯મી જૂનના રોજ અલીમુદ્દીનની હત્યા ટોળાએ કરી હતી. એમની ઉપર આક્ષેપો મૂક્યા હતા કે એ પોતાની કારમાં ગૌમાંસ લઈ જતો હતો. એમની કારને સળગાવી દેવાઈ હતી એની ઉપર હુમલો કરાયા પછી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં એમનું મૃત્યુ થયું હતું. આ ગુના સંદર્ભે બે વ્યક્તિઓની ધરપકડ કરાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે અન્ય આરોપીઓની ધરપકડ વીડિયો અને ફોટાઓના આધારે કરાઈ હતી. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. અન્સારીની પત્નીએ કહ્યું કે, બજરંગ દળના કાર્યકર્તાઓ એના પતિની હત્યા માટે જવાબદાર છે.