(એજન્સી) તા.૧૧
અરૂણાચલપ્રદેશ સરકારે ભાજપ સમર્થિત ઝી ન્યુઝ ટીવીને બનાવટી સમાચારો ફેલાવતા પકડી તેને વધુ એક વાર શરમજનક સ્થિતિમાં મૂકી છે. આ પહેલા યુપી પોલીસે તેની એક સહયોગી ચેનલને ફિરોઝાબાદના મુસ્લિમ જૂથ અંગે આ જ પ્રકારના બનાવટી સમાચાર ફેલાવતા પકડી પાડી હતી. અરૂણાચલ પ્રદેશના પબ્લિસિટી વિભાગ મુજબ ઝી ન્યુઝે દાવો કર્યો હતો કે, આ ઉત્તર-પૂર્વીય રાજ્યમાં તબ્લીગી જમાતના ૧૧ સભ્યોના કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે પરંતુ અરૂણાચલના આઈ.પી.આર. વિભાગે તેને બનાવટી સમાચાર ગણાવતા લખ્યું હતું કે, આ સ્પષ્ટ કરવામાં આવે છે કે અરૂણાચલ પ્રદેશમાં અત્યારસુધી કોવિડ-૧૯નો માત્ર એક કેસ છે. ઝી ન્યુઝનો અહેવાલ ખોટો છે અને તેમાં કોઈ વિશ્વસનિયતા નથી. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા મુજબ પણ રાજ્યમાં કોરોના વાયરસનો ફક્ત એક પોઝિટિવ કેસ છે. આ પહેલા યુપી પોલીસે ઝી ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડને બનાવટી સમાચાર ફેલાવતા પકડી પાડી હતી. આ ન્યુઝચેનલે દાવો કર્યો હતો કે, તબ્લીગી જમાતના સભ્યોએ મેડિકલ ટીમ પર પથ્થરમારો કર્યો હતો. જો કે ફિરોઝાબાદ પોલીસે તેને ઝી ન્યુઝ દ્વારા ફેલાવવામાં આવેલા બનાવટી સમાચાર ગણાવ્યા હતા.