મોરબી,તા.૧૧
હાલમાં લોકડાઉન હોવાથી હાઈવે ઉપર દોડતા વાહનોની સંખ્યા ઘટી ગઈ હોવાથી માર્ગ અકસ્માતોની સંખ્યા પણ ઘટી ગયેલ જોવા મળે છે. ત્યારે આજે ટંકારા તાલુકાના હડમતિયાથી ૨ કિ.મી. દૂર વહેલી સવારે ઘઉં કાપવાનું કટર મશીન પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે પંજાબી યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. જો કે અન્ય ત્રણ વ્યક્તિને ઈજાઓ થઇ હોવાથી હાલમાં તેઓને ટંકારા ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
બનાવની જાણવા મળી રહેલી માહિતી મુજબ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવતા હડમતિયા ગામ પાસે વહેલી સવારે ઘઉં કાપવાનું કટર મશીન લઈને પાંચ પંજાબી જઈ રહ્યા હતા ત્યારે તેઓની ઘઉં કાપવાનું કટર મશીન હડમતીયા ગામ પાસે અચાનક જ પલટી મારી ગયું હતું. જેથી, આ મશીનમાં બેસીને જઈ રહેલા પાંચ વ્યક્તિમાંથી બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. જો કે ત્રણ વ્યક્તિને ઈજાઓ થયેલ હોવાથી હાલમાં પ્રાથમિક સારવાર ટંકારામાં આપી વધુ સારવાર અર્થે ૧૦૮ મારફતે રાજકોટ લઇ જવામાં આવ્યા છે.
વધુમાં, મળી રહેલી માહિતી મુજબ જે બે વ્યક્તિનાં મોત થયા છે. તેમાં બહાદુરસિંગ કર્મસીંગ (૪૮) અને કંલવંતસિગ બંને મૂળ પટિયાલા પંજાબ વાળાનાં મોત નીપજ્યા છે. જ્યારે હંસરાજ જોગેનદર, ગુરુતેજસિંગ મારાસિંગ અને નરેન્દ્રસિંગ નામના ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થયેલ છે. હાલમાં અકસ્માતના આ બનાવની ટંકારા પોલીસને જાણ કરી છે. મૃતકોના મૃતદેહને ટંકારા સિવિલમાં પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.