બુમરાહ-સિરાજની ઘાતક બોલિંગની મદદથી ભારતે
ઓસ્ટ્રેલિયાની ધરતી પર સૌથી મોટી ટેસ્ટ જીત મેળવી
પ્રથમ ઇનિંગમાં દબાણમાં હતા પણ જે રીતે જવાબ આપ્યો તેના પર ગર્વ છે : બુમરાહ
પર્થ, તા.૨૫ : પર્થ ટેસ્ટ જીત્યા બાદ ભારતીય કપ્તાન જસપ્રીત બુમરાહ ઘણો ખુશ છે. તેણે કહ્યું કે, શરૂઆતથી જ ઘણો ખુશ છું. અમે પ્રથમ ઇનિંગમાં દબાણમાં હતા પણ ત્યારબાદ જે રીતે અમે જવાબ આપ્યો ઘણો ગર્વ છે. ૨૦૧૮માં અહિંયા રમ્યો હતો. મને યાદ છે જ્યારે તમે અહિંયા શરૂઆત કરો છો તો વિકેટ થોડી નરમ હોય છે અને પછી તે વધારે ઝડપી થતી જાય છે. ટીમના કમબેક વિશે તેણે કહ્યું કે, અમે વાસ્તવમાં સારી રીતે તૈયાર હતા, એટલા માટે હું બધાને પોતાની પ્રક્રિયા અને ક્ષમતા પર વિશ્વાસ રાખવા માટે કહી રહ્યો હતો. અનુભવ મહત્ત્વ ધરાવે છે પણ જો તમને વિશ્વાસ છે તો તમે કંઈ ખાસ કરી શકો છો. આનાથી વધારે કંઈ માંગી શકાય નહીં. બુમરાહે મેચ બાદ યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીની ભરપૂર પ્રશંસા કરી હતી. કોહલી વિશે તેણે કહ્યું કે, મેં તેમને બિલકુલ પણ આઉટ ઓફ ફોર્મમાં જોયા નથી. પડકારજનક પિચ પર એ નક્કી કરવું મુશ્કેલ હોય છે કે, કોઈ બેટ્સમેન ફોર્મમાં છે કે નહીં.
પર્થ, તા.૨૫
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શરૂ થતાં પહેલા મોટા-મોટા દાવા કરનાર ક્રિકેટ એક્સપર્ટ્સની હવા નીકળી ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમે નિયમિત કપ્તાન રોહિત શર્માની ગેરહાજરીમાં કમાલ કર્યો અને બુમરાહ (૯ વિકેટ)ની કાતિલ બોલિંગની મદદથી ટીમ ઇન્ડિયાએ યજમાન ઓસ્ટ્રેલિયાને પર્થ ટેસ્ટમાં ૨૯૫ રનના મોટા માર્જિનથી કચડી નાંખ્યું છે. ભારતીય ટીમથી મળેલા ૫૩૪ રનના પહાડ જેવા લક્ષ્યાંક સામે ઓસ્ટ્રેલિયાની ટીમ કચડાઈ ગઈ. ભારતીય ટીમ માટે પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ લેનાર કપ્તાન બુમરાહ બીજી ઇનિંગમાં પણ હીરો રહ્યો. આ રીતે ભારતે ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં ૨૩૮ રને સમેટ્યા બાદ સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. આવું પહેલીવાર બન્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયા પોતાના આ મેદાનમાં કોઈ ટેસ્ટ હાર્યું છે. ભારતની આ ઓસ્ટ્રેલિયામાં રનોની દૃષ્ટિએ સૌથી મોટી જીત છે. આ પહેલા આવી જીત ભારતને મળી નથી. આ પહેલા ૧૯૭૭માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને મેલબોર્નમાં ૨૨૨ રને હરાવ્યું હતું. જ્યારે ઓવરઓલ આ બીજી સૌથી મોટી જીત છે. મોહાલીમાં ભારતે ૨૦૦૮માં ૩૨૦ રને શરમજનક પરાજય આપ્યો હતો. આ રીતે ભારતીય ટીમનો જુસ્સો હવે સિરીઝમાં સાતમા આસમાને છે. મેચના ચોથા દિવસે મોહમ્મદ સિરાજે સવારના સેશનમાં શાનદાર બોલિંગ કરતા ઓપનિંગ બેટ્સમેન ઉસ્માન ખ્વાજા અને ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા સ્ટીવ સ્મિથને પેવેલિયન મોકલ્યા, જેનાથી ભારતના ૫૩૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે લંચ સુધી ૧૦૪ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાએ દિવસની શરૂઆત ત્રણ વિકેટે ૧૨ રને કરી હતી. છેલ્લા કેટલાક સમયથી ભારતને સતત પરેશાન કરનાર ટ્રેવિસ હેડ (૮૯ રન) અને સ્મિથ (૧૭)એ પાંચમી વિકેટ માટે અમુક રન બનાવી જરૂર ભારતને પરેશાન કર્યું પણ લંચ બાદ ભારતે હેડને જલ્દી પેવેલિયન રવાના કર્યો. હેડ બુમરાહની બોલિંગમાં પંતના હાથે ઝીલાયો હતો. સ્મિથ અને લાબુશેન હાલના ઉ્ઝ્ર ચક્રમાં ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યા છે. જે યજમાન ટીમ માટે ચિંતાનો વિષય છે. ત્યારબાદ મિચેલ માર્શ ૪૭ રન બનાવી આઉટ થયો. તેને ડેબ્યુ સ્ટાર નીતિશ રેડ્ડીએ ક્લીન બોલ્ડ કર્યો. ત્યારબાદ ટીમના ૨૨૭ રનના સ્કોર પર વોશિંગ્ટન સુંદરે સ્ટાર્કને ૧૨ના સ્કોરે ધ્રુવ જુરેલના હાથે ઝીલાવ્યો તો એક બોલ બાદ જ નાથન લિયોનને બોલ્ડ કરી દીધો. અંતિમ વિકેટ એલેક્સ કેરીના રૂપમાં પડી જે ૩૬ રન બનાવી હર્ષિત રાણાનો શિકાર બન્યો.