ટી૨૦ વિમેન્સ વર્લ્ડ કપ : મંધાના અને દીપ્તિની શાનદારરમત, ભારતે પાકિસ્તાનને આપી કારમી હાર

સ્મૃતિ મંધાનાની ૬૮ રનની ક્લાસિક ઇનિંગ્સ અને દીપ્તિ શર્માની વિકેટોની પંચક (૫/૧૦)ની મદદથી ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને ૬૪ રને રોળ્યું; દીપ્તિ ટી૨૦ ઇન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર બની

બર્મિંગહામ, તા.૧૫
આઈસીસી વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ધમાકેદાર શરૂઆત કરતા રવિવારે રમાયેલી ગ્રુપ-૧ની મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને ૬૪ રને કારમી હાર આપી છે. એજબેસ્ટન ખાતે રમાયેલી આ રોમાંચક મેચમાં ઓપનર સ્મૃતિ મંધાનાની આકર્ષક અર્ધસદી અને રિચા ઘોષની આક્રમક બેટિંગની મદદથી ભારતે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૭૦ રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જવાબમાં દીપ્તિ શર્માની કાતિલ સ્પિન બોલિંગ સામે પાકિસ્તાનની ટીમ સાવ અસહાય નજરે પડી હતી અને ૧૭ ઓવરમાં માત્ર ૧૦૬ રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી ઓપનર મુનીબા અલીની ૪૧ રનની ઇનિંગ્સ સિવાય અન્ય કોઈ બેટર ભારતીય બોલરો સામે ટકી શકી નહોતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી. શેફાલી વર્મા (૬) અને જેમિમા રોડ્રિગ્સ (૧) સસ્તામાં આઉટ થતા ભારતે ૧૮ રનમાં જ ૨ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે, ત્યારપછી વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના અને કેપ્ટન હરમનપ્રીત કૌરે (૩૬ રન) બાજી સંભાળી હતી અને ત્રીજી વિકેટ માટે ૯૧ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. મંધાનાએ શાનદાર ફોર્મ દર્શાવતા ૪૪ બોલમાં ૯ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૬૮ રનની ક્લાસી ઇનિંગ્સ રમી હતી. પાકિસ્તાનની નબળી ફિલ્ડિંગના કારણે મંધાનાને બે જીવનદાન પણ મળ્યા હતા. મંધાના આઉટ થયા બાદ અંતિમ ઓવરોમાં રિચા ઘોષે તોફાની બેટિંગ કરતા માત્ર ૧૭ બોલમાં ૩૪ રન ફટકારીને ભારતને ૧૭૦ના સ્કોર સુધી પહોંચાડ્યું હતું. પાકિસ્તાન વતી કેપ્ટન ફાતિમા સના અને સાદિયા ઇકબાલે બે-બે વિકેટ ઝડપી હતી. ૧૭૧ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ પર ભારતીય સ્પિનરોએ શરૂઆતથી જ દબાણ બનાવી દીધું હતું. ભારત વતી ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ માત્ર ૧૦ રન આપીને ૫ વિકેટ ઝડપીને પાકિસ્તાનની બેટિંગ લાઇન-અપની કમર તોડી નાખી હતી. આ શાનદાર પ્રદર્શનની સાથે જ દીપ્તિ શર્મા મહિલા ટી૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર બની ગઈ છે. દીપ્તિ ઉપરાંત ડાબા હાથની સ્પિનર ચરાણીએ ૨૧ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી, જ્યારે શેફાલી વર્માએ પણ વિકેટ ઝડપીને સાથ આપ્યો હતો. દીપ્તિ શર્માએ બોલિંગ ઉપરાંત ફિલ્ડિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરતા પાકિસ્તાનની સેટ બેટર મુનીબા અલીને ડાયરેક્ટ થ્રો પર રનઆઉટ કરીને ભારતની જીત આસાન બનાવી દીધી હતી. આ શાનદાર જીત સાથે ભારતે વર્લ્ડ કપ અભિયાનની જોરદાર શરૂઆત કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks