ટુ વ્હીલર વાહનો વેચવા માટે મૂકી લોકો સાથે ઠગાઈ કરનાર ગઠિયો ઝડપાયો

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૩૦
ઓએલએકસ વેબસાઇટ પર વાહન વેચવા માટે મુકી લોકોને છેતરી પેટીએમ મારફતે ટોકન પેટે પૈસા પડાવી લઇ છેતરપિંડી કરનાર ગઠીયાને ડીસીબી પોલીસે ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત થતી વિગત અનુસાર ગત એપ્રિલ-૨૦૧૭ થી ડિસેમ્બર-૨૦૧૭ દરમ્યાન ડીસીબી પોલીસનાં સાઇબર ક્રાઇમ સેલમાં ઓએલએકસ વેબસાઇટ પર ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહનો મુકી તેની ઓછી કિંમતો બતાવી કેટલાક ગઠીયા વાહન ખરીદવા માંગતા ગ્રાહકો પાસેથી ટોકન પેટેનાં પૈસા પેટીએમ મારફતે મંગાવી લીધા બાદ ફોન બંધ કરી છેતરપિંડી કરતા હોવાની ૨૫ થી વધુ ફરિયાદો મળી હતી. જે સંદર્ભે વડોદરા સાઇબર ક્રાઇમ સેલે તપાસ શરૂ કરી હતી. દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે, શહેર નજીકનાં જામ્બુવા ગામ નજીકમાં રહેતો ગૌતમ રમેશભાઇ પંચાલ આ રીતે છેતરપિંડી કરી લાખો રૂપિયાની ઠગાઇ કરી રહ્યો છે તથા ગૌતમ પંચાલ શહેર નજીકનાં આલમગીર પાસે બસ સ્ટેન્ડ નજીક છેતરપિંડીમાં ઉપયોગ કરેલ મોબાઇલ ફોન તોડી પુરાવાનો નાશ કરી રહ્યો છે.
માહિતીનાં આધારે સાઇબ્રર ક્રાઇમ સેલે સ્થળ પર દરોડો પાડી ગૌતમ પંચાલને ઝડપી પાડયો હતો. પોલીસે તેની પુછપરછ કરતાં તેણે અત્યાર સુધી ૨૫ થી વધુ લોકોને ઓએલએકસ પર બોગસ જાહેરાતો આપી છેતરપિંડી કરી હોવાનું કબુલ્યું હતું તેમજ તેમાં આપતા કોન્ટેકટ નંબરનાં સીમકાર્ડ ઉમા ચાર રસ્તા વાઘોડીયા રોડ ખાતે બેસતા સીમકાર્ડ વેચતા શખ્સ પાસેથી જુદા જુદા નામ-સરનામા વાળા બોગસ આઇડી પ્રુફ રજુ કરી અત્યાર સુધી અઢાર સીમકાર્ડ ખરીદયા હોવાની કબુલાત કરી હતી.
પોલીસે ગૌતમ પંચાલની ધરપકડ કરી અન્ય ગુનાઓમાં તેની સંડોવણી છે કે કેમ અને અન્ય કોણ-કોણ તેની સાથે સામેલ છે તે અંગે તપાસ કરવા ગૌતમ પંચાલનાં રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks