(એજન્સી) પોમ્પાના બીચ, તા.૧૭
ફ્લોરિડામાં શૂટિંગમાં ઘાયલ થયેલા લોકોની હોસ્પિટલમાં જઈ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખબર પૂછી હતી. એફબીઆઈએ કબૂલ કર્યું હતું કે આ ઘટનાને નજરઅંદાજ કરી હતી.
પાર્કલેન્ડમાં શાળામાં થયેલા ગોળીબારોમાં મોતને ભેટેલા પરિવારોના દર્દ પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનીઆ અહીં આવી પહોંચ્યા હતા. આ હત્યાકાંડ ટાળી શકાયો હોત તેમ એફબીઆઈના સૂત્રોએ સ્વીકાર્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પ બ્રોવર્ડ હેલ્થ નોર્થ હોસ્પિટલ ખાતે બચી ગયેલા લોકોને મળ્યા હતા અને ડોક્ટરોને તાકીદની સેવા માટે અભિનંદન આપ્યા હતા. ટ્રમ્પ અને તેમના પત્નીએ બાળકોને બચાવનાર કાઉન્ટી શેરીફની ઓફિસની પણ મુલાકાત લીધી હતી. જેમણે બહાદુરીપૂર્વક હુમલાખોરને ઝબ્બે કર્યો હતો. વાલીઓમાં હુમલા બાદ ભારે રોષ હતો. તેઓ બંદૂકના બેફામ ઉપયોગ સામે કડક કાનૂનની માગણી કરી રહ્યા હતા. લોરી અલ હેડફ નામની મહિલાની ૧૪ વર્ષની પુત્રી એલીસાનું શૂટિંગમાં મોત થયું હતું. તેણીએ રડતી આંખે ટ્રમ્પ સામે લાગણીસભર અપીલ કરી હતી.
દરમિયાન એફબીઆઈએ કહ્યું છે કે હુમલા અંગે સંકેત મળ્યા હતા પરંતુ તેને ગંભીરતાથી લીધા નહીં તે અમારી નિષ્ફળતા છે. હુમલાખોર ક્રુઝ દ્વારા આવો ઈરાદો વ્યક્ત કરાયો હતો. જાન્યુઆરી પના રોજ તેણે યુ-ટ્યુબ પર આવી ઈચ્છા જાહેર કરી હતી. ફ્લોરિડાના ગવર્નર રીક સ્કોટે એફબીઆઈની ગંભીર બેદરકારી બદલ તેના ડિરેક્ટર ક્રિસ્ટોફર રેને રાજીનામું આપવા જણાવ્યું હતું. દરમિયાન હત્યારા ક્રુઝે પોલીસ સમક્ષ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના માથામાંથી અવાજ આવ્યો કે કેવી રીતે હુમલો કરવો. ક્રુઝની ધરપકડ કરી તેની સામે હત્યાનો ગુનો દાખલ કરાયો છે. તેણે હત્યાનો ગુનો કબૂલ કર્યો છે.