ટ્રમ્પે યુદ્ધ સમાપ્ત કરવાના ઈરાનનાપ્રતિભાવને ‘તદ્દન અસ્વીકાર્ય’ ગણાવ્યો

(એજન્સી) વોશિંગ્ટન/તેહરાન, તા.૧૧
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવાર, ૧૧ મેના રોજ ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટેના યુએસ સમર્થિત પ્રસ્તાવ પર ઈરાન દ્વારા આપવામાં આવેલા જવાબને ફગાવી દીધો છે. ટ્રમ્પે ઈરાનના આ પ્રતિભાવને “તદ્દન અસ્વીકાર્ય” ગણાવતા મધ્ય પૂર્વમાં તણાવ વધુ ઘેરો બન્યો છે. ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધના ૭૩માં દિવસે ટ્રમ્પે પાકિસ્તાન મારફતે મળેલા સંદેશાની સમીક્ષા કર્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.ઈરાનના સરકારી માધ્યમો મુજબ, તેહરાને યુદ્ધનો તાત્કાલિક અંત અને હોર્મુઝની સામુદ્રધુનીમાં દરિયાઈ સુરક્ષાની ખાતરી માંગી હતી. જોકે, ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલ મુજબ, ઈરાનનું વલણ પરમાણુ પ્રતિબદ્ધતાઓ અંગે વોશિંગ્ટનની અપેક્ષાઓને પૂર્ણ કરતું નથી. બીજી તરફ, ઈરાનના સત્તાવાર પ્રસારણકર્તા ૈંઇૈંમ્એ જણાવ્યું હતું કે તેમનો જવાબ ઈરાની રાષ્ટ્રના મૂળભૂત અધિકારો પર ભાર મૂકે છે અને અમેરિકા પર “ટ્રમ્પના લોભ સામે શરણાગતિ” સ્વીકારવા દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. ઈરાને વળતર તરીકે યુદ્ધનું નુકસાન, થીજી ગયેલી સંપત્તિની મુક્તિ અને પ્રતિબંધો હટાવવાની માંગ કરી છે. આ રાજકીય ખેંચતાણની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર જોવા મળી રહી છે. યુદ્ધના અંતની અનિશ્ચિતતાને કારણે એશિયન બજારમાં તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે, જેમાં બ્રેન્ટ ક્રૂડ ૩.૮ ટકા વધીને બેરલ દીઠ ૧૦૫.૨૦ ડોલર પર પહોંચી ગયું છે. આ દરમિયાન સમાચાર મળી રહ્યા છે કે સુરક્ષાના ભયથી કેટલાક તેલ ટેન્કરો તેમની ટ્રેકિંગ સિસ્ટમ બંધ કરીને હોર્મુઝની સામુદ્રધુની પસાર કરી રહ્યા છે. સઉદી અરેબિયાએ પણ યુએઈ, કતાર અને કુવૈતના જળવિસ્તારમાં થતા હુમલાઓની સખત નિંદા કરી છે. લેબેનોનમાંથી મળતા અહેવાલો મુજબ, માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં ઇઝરાયેલી હુમલામાં ૨,૮૪૬ લોકોનાં મોત થયા છે, જે દર્શાવે છે કે એપ્રિલમાં થયેલી યુદ્ધવિરામની સમજૂતી છતાં હિંસા અટકી નથી. આ ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ બુધવારે ચીનની મુલાકાતે જઈ રહ્યા છે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત અગાઉ ઈરાન યુદ્ધને કારણે મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ હવે તે પ્રાદેશિક સુરક્ષા અને વૈશ્વિક શિપિંગ માર્ગો પરની ચર્ચા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts