ટ્રમ્પ સરકારે H-1B વીઝા દરખાસ્ત પડતી મૂકતાં ભારતીયો માટે મોટી રાહત

(એજન્સી) નવી દિલ્હી, તા. ૯
ટ્રંપ સરકારે H-1B વીઝા દરખાસ્ત પડતી મૂકતાં, ભારતીયોને મોટી રાહત મળી છે. અમેરિકામાં કાર્યરત સાત લાખ કરતાં પણ વધારે ભારતીય આઈટી એન્જિનિયરો માટે મોટી રાહત છે.અમેરિકાએ મંગળવારે કહ્યું કે H-1B વીઝા નીતિમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. એચ૧ બી વીઝા નિયમોમાં ફેરફાર કરવાના મીડિયા રિપોર્ટને પગલે અમેરિકા દ્વારા આવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભારત, એડવોકેસી જૂથો તથા અમેરિકી સાંસદોએ આ દરખાસ્તનો ઉગ્ર વિરોધ કર્યો હતો. યુએસ સિટિઝન એન્ડ ઈમિગ્રેશન સર્વિસે આજે એવી જાહેરાત કરી કે અમેરિકા હાલ પૂરતી કોઈ વિચારણા કરી નથી. હકીકતમાં ગત દિવસોમાં એક રિપોર્ટ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રંપ સરકાર એચ૧-બી વીઝા નિયમોમાં ફેરફાર કરવાની વિચારણા કરી રહી છે. યુએસસીઆઈએસના મીડિયા પ્રમુખ જોનાથે કહ્યું કે જો અમેરિકા આવું કંઈ પણ કરવા તૈયાર થાય તેનો એવો અર્થ થતો નથી કે લોકાનેે નોકરીઓ છોડીને તેમના દેશમાં પરત ફરવું પડશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના બાય અમેરિકન, હાયર અમેરિકન સંબંધી આદેશ પર અમલ કરાવ માટે એજન્સી ઘણા પ્રકારના નીતિગત ફેરફારો કરવા માટે કામ કરી રહી છે. ટ્રંપ સરકારના એક અધિકારીએ એવું જાહેર કર્યું કે એચ-૧બી વીઝા ધારકોને અમેરિકા છોડવું પડે તેવી કોઈ દરખાસ્તને લાગુ પાડવાની અને તેને મજબૂત બનાવવાની દિશામાં કામ કરી રહી છે. આ સમગ્ર મામલાની ચોખવટ કરતાં ટ્રંપ પ્રશાસનના એક સીનિયર અધિકારીએ કહ્યું કે યુએસ સિટિઝન એન્ડ ઈમિગ્રેશન સર્વિસ હાલ પૂરતી આવી કોઈ વિચારણા કરી રહ્યું નથી. એચ ૧ બી વીઝા પર ચાલી રહેલા વાદ-વિવાદની અસર ભારતમાં પડી રહી છે. ભારતીય આઈટી સેક્ટરમાં લાખો લોકોની નોકરી પર સંકટના વાદળો મંડરાઈ રહ્યાં છે અને ઘણા લોકોને નોટીસ પણ આપવામાં આવી હતી. ભારત, એડવોકેસી જૂથો તથા અમેરિકી સાંસદોએ આ દરખાસ્તનો ઉગ્ર વિરોધ કર્યો હતો. ભારતીય માહિતી ટેકનોલોજીના ટ્રેડ સંગઠને એવી ચેતવણી ઉચ્ચારી કે જો વીઝા નિયમોમાં ફેરફાર કરવાનું કોઈ પગલું ભરવામાં આવશે તો તે બન્ને દેશો માટે ઘાતક બનશે. ઓક્ટોબરમાં નાણા મંત્રી અરૂણ જેટલીએ અમેરિકી વાણિજ્ય મંત્રી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને અમેરિકી અર્થતંત્રમાં ભારતીય આઈટી કંપનીઓના યોગદાનની કદર કરવાની વિનંતી કરી હતી. અમેરિકામાં હાલમાં ૧ મિલિયન કરતાં પણ વધારે એચ-૧બી વીઝા ધારકો ગ્રીનકાર્ડની પ્રતિક્ષામાં છે. તેમાના ઘણા ભારતીયો છે અને તેઓ એક દાયકા કરતાં પણ વધારે સમયથી રાહ જોઈ રહ્યાં છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના સ્થાનિક લોકોની રોજગારી સર્જન માટે એચ-૧બી વીઝા નિયમોને આકરા બનાવવાની ખાતરી આપી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks