ડીસાના ડાવસ ગામે ગર્ભવતી મહિલાના બાળકના મોત મામલે બે પોલીસ સહિત છ સામે ફરિયાદ

ડીસા, તા.પ
ડીસા તાલુકાના ડાવસ ગામે મકાનનો કબજો મેળવવાની બાબતે ગામના જ ચાર શખ્સો દ્વારા ગર્ભવતી મહિલાને ગડદાપાટુનો માર મારતા ગર્ભસ્થ શિશુનું મોત થયુ હતું. જે મામલે મહિલા પોલીસ ફરિયાદ નોંધાવા જતા પોલીસે ફરિયાદ ન લેતા મહિલાએ કોર્ટમાં કરેલી ફરિયાદના આધારે કોર્ટના હુકમથી ડીસા તાલુકા પોલીસે બે પોલીસ કર્મચારી સહિત છ સામે ગુનો નોંધ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના ડાવસ ગામના ઈશ્વર લક્ષ્મણભાઈ દેવીપુજકની પત્ની ઉમિયાબેનને છ માસનો ગર્ભ હતો. ઇશ્વરભાઇએ ડાવસ ગામના બસ સ્ટેશન નજીક આવેલ મકાનમાં બે ઓરડી બનાવેલી હતી જે ગામના શાંતિભાઈ નારણભાઈ હરિજને પચાવી પાડેલી હતી, જે અંગેનો વિવાદ ચાલતો હતો. દરમિયાન ગત તારીખ ૧૪ નવેમ્બર ૨૦૧૭ નારોજ શાંતિભાઈ અને તેમના ત્રણ પુત્રો અશોકભાઈ, પ્રવીણભાઈ અને બળવંતભાઇ કાર લઇ ઈશ્વરભાઈ દેવીપૂજકના ઘરે આવી ‘ઈશ્વર ક્યાં ગયો છે?’ તેમ કહેતા તેમના પત્ની ઉમિયાબેને ‘ તે મજુરી કરવા ગયા છે અને તમે પરાણે મકાનનો કબજો જમાવી બેઠા છો તે મને આપી દો’. તેમ કહેતાં ચારેય પિતા-પુત્રોએ ઉશ્કેરાઇ જઇ ઉમિયાબેનને પેટ પર ગડદાપાટુનો મારમારી નીચે પાડી પેટના ભાગે લાતો મારતા તેઓએ દર્દભરી રાડો પાડતાં બાજુમાંથી તેમનો ભાઈ તેમજ અન્યો આવી વચ્ચે પડી છોડાવ્યા હતા. ચારેય પિતા-પુત્રો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા.
જો કે ત્યારબાદ ઉમિયાબેનને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા તેમને ડીસા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જોકે તેમને દર્દ ખુબ જ થતું હોય તેમને પાલનપુર રીફર કરાતા તેમણે રસ્તામાં જ ૧૦૮ મોબાઇલ વાનમાં જ કસુવાવડ થઈ હતી અને તબીબોએ છ માસના ગર્ભસ્થ શિશુનું મોત થયું હોવાનું જણાવ્યું હતું.
જેથી તેઓ ૧૮ નવેમ્બર ૨૦૧૭ ના રોજ તેમના છ માસના ગર્ભસ્થ પુત્રનું ઇરાદાપૂર્વક ખૂન કરી મૃત્યુ નીપજયું હોવા બદલ ચારેય પિતા પુત્રો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા ગયા હતા. જો કે ફરજ પરના પી.એસ.ઓ. તુલસીભાઈ પરમારે ફરિયાદ નોંધી ન હતી. જેથી તેઓએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરતા પોલીસ વડાએ પોલીસ તેમની ફરિયાદ લેશે તેમ જણાવ્યું હતું.
જોકે પી.એસ.ઓ. તુલસીભાઈ પરમાર અને ભડથ ઓ.પી.ના જમાદાર હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ રૂપાભાઈ બંને જણાએ તેમની ફરજ હોવા છતાં ફરિયાદ ન લઈ મહિલાને ધક્કા ખવડાવી હેરાન-પરેશાન કરેલ હોય તેમને પણ આરોપી તરીકે લેવા ડીસા કોર્ટમાં ફરિયાદ કરી હતી.
જે અનુસંધાને કોર્ટના આદેશથી ડીસા તાલુકા પોલીસે ઉમિયાબેન દેવીપૂજકની ફરિયાદના આધારે શાંતિભાઈ નારણભાઈ, અશોકભાઈ શાંતિભાઈ, પ્રવીણભાઈ શાંતિભાઈ, બળવંતભાઈ શાંતિભાઈ તેમજ ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ. તુલસીભાઈ પરમાર અને ભડથ ઓ.પી.ના જમાદાર હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ રૂપાભાઈ સામે સી.આર.પી.સી.કલમ ૧૫૬ (૩) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks