ડીસા, તા.૯
ડીસાના બાળકોની હોસ્પિટલમાં ઇન્ફેક્શનના કારણે ભાભર તાલુકાના ખેરોલા ગામનાં બાળકનું મોત નિપજતાં દર્દીના પરિવારજનોએ તબીબ પર બેદરકારી દાખવવાના આક્ષેપ કરી લાશ ઉઠાવવાનો ઇન્કાર કરતા ભારે હંગામો સર્જાયો હતો. ભાભર તાલુકાના ખેરોલા ગામે રહેતા સુરપાલસિંહ શ્રવણસિંહ સોલંકી (ઉં.વ.૪)ને ૧૧ ડિસેમ્બરના રોજ ખેંચની તકલીફ ઉપડતા તેના પરિવારજનો ડીસાની મયુર ચિલ્ડ્રન હોસ્પિટલ પર સારવાર માટે લઈને આવ્યા હતા જ્યાં ચાર દિવસ સારવાર આપ્યા બાદ બાળકને રજા આપી દેવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ એકવાર ફરી આ બાળકની તબિયત લથડતાં તેના પરિવારજનો આ બાળકને સારવાર માટે ડીસા લાવ્યા હતા જ્યાં બાળકની તબિયત વધુ લથડતા તેણે સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં બાળકની સારવાર બાદ ફરી પોતાના ઘરે લઇ ગયા હતા અને ત્યારબાદ કોઈ દવાના કારણે આ બાળકને શરીરમાં ઇન્ફેકશન થયું હતું. બાળકના પરિવારજનોના જણાવ્યાનુસાર આ બાળકને ચામડીના તબીબ પાસે બતાવવા જતા આ બાળકને દવાની આડ અસરના લીધે તકલીફ થઇ હોવાનું જણાવ્યું હતું. જેથી ફરી આ બાળકને સારવાર માટે લાવવામાં આવ્યો હતો ત્યારે તબીબ ડૉ. રમેશ પટેલે પરિવારજનોને તેને ઇન્ફેક્શન વધુ હોવાની જાણ કરી આગળ સારવાર માટે લઈ જવા જણાવ્યું હતું. જો કે, તેને સારવાર માટે ડીસા જ રખાતા મંગળવારે વહેલી પરોઢે તેનું મોત નીપજ્યું હતું.જેથી પરિવારજનોએ તબીબ પર બેદરકારીનો આક્ષેપ કરી મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. જેથી મામલો વણસતા અને દર્દીના સગાઓ સમાજના લોકો એકત્ર થવા લાગતા હોસ્પિટલ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ડીસા ઉત્તર પીઆઈ જે.એમ.ખાંટ, દક્ષિણ પીઆઈ આર.આર.સિંધાલ અને ડીસા તાલુકા પીઆઈ એટી પંચોલી સહિત અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને બંને પક્ષના લોકોને સમજાવવા પ્રયાસ કર્યો હતો. જો કે, મોડે સુધી મામલો થાળે પડ્યો ન હતો અને સાંજ સુધી પરિવારજનોએ લાશ ઉઠાવી ન હતી. પોલીસે બંને પક્ષોની લેખિત ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.