ડીસામાં ચાર હજાર કરોડના ખર્ચે એરબેઝ બનશે : વાયુદળની તાકાત વધશે

(સંવાદદાતા દ્વારા) ડીસા, તા.૨૩
પાકિસ્તાન સાથે જોડાયેલી ગુજરાતની સરહદે હવે ભૂજ અને નલિયા બાદ ત્રીજા સ્થળે ઈન્ડિયન એરફૉર્સનો ફોરવર્ડ ફાઈટર બેઝ તૈયાર કરવા કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. ઈન્ડિયન એરફૉર્સ દ્વારા ભુજ અને બાડમેર વચ્ચેનો ક્રિટીકલ એર ડિફેન્સ ગેપ પૂરવા ઘણાં વર્ષોથી ડીસામાં એરબેઝનું નિર્માણ કરવા માટે દરખાસ્ત કરાઈ હતી. પરંતુ, તે પડતર રહી હતી. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી મળેલી કેબિનેટ કમિટિ ઓન સિક્યોરીટીની બેઠકમાં ડીસા ખાતે એરબેઝ નિર્માણને મંજૂરી આપી દેવાઈ છે. એટલું જ નહીં એરબેઝ નિર્માણ માટે પ્રથમ તબક્કે ૧ હજાર કરોડ રૂપિયાનું ફંડ ફાળવવા નિર્ણય લેવાયો છે. એરબેઝના નિર્માણ પાછળ કુલ ૪ હજાર કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. ડીસામાં હાલ એક હજાર મીટર લાંબી એર સ્ટ્રીપ છે. એરફોર્સ દ્વારા ડીસામાં પ્રથમ તબક્કે રન વેનું વિસ્તરણ, ફાઈટર પેન અને વહીવટી સંકુલનું નિર્માણ કરવામાં આવશે. ૪ હજાર એકરનો વિસ્તાર ધરાવતું ડીસાનું એરબેઝ ફોરવર્ડ ફાઈટર બેઝ બનશે. ડીસા એરબેઝના નિર્માણથી પશ્ચિમી સરહદે આવેલાં ભુજ અને બાડમેર એરબેઝ વચ્ચેનો ક્રિટીકલ ગેપ પૂરાશે અને ભારતીય વાયુદળની તાકાતમાં ઓર વધારો થશે તેમ સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks