(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૭
સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરતી ગાડી ઉપર કામ કરતી એક મહિલાને ગઇકાલે બપોરે ઝાડા-ઉલટીઓ થવા લાગી હતી. જેના કારણે તેની તબિયત વધુ બગડી ગઇ હતી. પતિ સહિત પરિવારજનો તેણીને સ્મિમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં તેનું મોત નિપજ્યું હતું. સ્મીમેર હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ એમપીના જાબુઆ જિલ્લાના વતની મોમસીંગ મેળા શહેરના પર્વત પાટિયા ખાતે આંજણા ફાર્મ પાસે આવેલ ખુલ્લા પડાવમાં પત્ની તાજુરબેન (ઉ.વ.ર૭) અને ત્રણ બાળકો સાથે રહે છે. મોમસીંગ અને તેની પત્ની તાજુરબેન પાલિકાના ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતી ગાડી ઉપર કામ કરે છે. દરમિયાન તાજુરબેનને ગઇકાલે બપોરે અચાનક ઝાડા ઉલ્ટીઓ થવા લાગી હતી અને તેની તબિયત વધુ બગડી હતી જેથી પતિ તથા પરિવારજનો તેણીને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં ફરજ ઉપરના તબીબે તેણીને મરણ જાહેર કર્યો હતો.