તમિલનાડુમાં મંદિરના નિર્માણ માટે અંકલેશ્વરના મુસ્લિમ વેપારીએ દાન એકત્રીત કર્યું

અંકલેશ્વર,તા.૬
તમિલનાડુના ડીન્ડીગલ જિલ્લાના પરાઇ પટ્ટી ગામમાં હિન્દુઓની આસ્થાના પ્રતિક અંબાજી માતા અને ગણપતિ મંદિરના જીર્ણોદ્ધાર માટે મૂળ તમિલનાડુના અને ૨૦ વર્ષથી અંકલેશ્વરમાં રહેતા મુસ્લિમ વેપારી અબ્દુલ ખુદા મોહમ્મદ અલી સૈયદે ગુજરાતમાં રહેતા મુસ્લિમો પાસેથી ૩ લાખ રૂપિયા દાન એકત્રિત કર્યું હતું અને મંદિરના જીર્ણોદ્ધાર માટે એકત્ર કરેલા ૩ લાખ રૂપિયા મંદિરના પૂજારી વિજય કુમારજીને આપ્યા હતા. પોતાના માદરે વતનમાં વસતા હિન્દુ ભાઇઓની આસ્થાના પ્રતિક સમા મંદિરના જીર્ણોદ્ધાર માટે મુસ્લિમ બિરાદરોએ આપેલુ આ દાન કોમી એકતાના દર્શન કરાવે છે.
તામિલનાડુના ડીન્ડીગલ જિલ્લાના પરાઇ પટ્ટી ગામમાં જૂના અંબાજી માતા અને ગણપતિના મંદિરના જીર્ણોદ્ધાર કરવાનો હતો. આ જીર્ણોદ્ધાર માટે ગામથી બહાર રહેતા લોકો પાસેથી પણ દાન ઉઘરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરાઇ પટ્ટી ગામમાં મુસ્લિમોની વસ્તી ખુબ જ ઓછી છે અને ત્યાંના મુસ્લિમો ધંધા-રોજગાર માટે વિવિધ રાજ્યોમાં વસવાટ કરે છે. મંદિરના પૂજારી વિજય કુમારજીએ આ મંદિરના જીર્ણોદ્ધારની વાત પોતાના મુસ્લિમ મિત્ર અબ્દુલ ખુદા મહમ્મદ અલી સૈયદને કરી હતી. તેઓ છેલ્લા ૨૦ વર્ષથી અંકલેશ્વરમાં રહે છે અને વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અબ્દુલ ખુદા મહમ્મદ અલી સૈયદે હિન્દુ મંદિર માટે દાન એકત્રિત કરવા માટે બીડું ઝડપી લીધુ હતું અને ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ રહેતા પરાઇ પટ્ટી ગામના મુસ્લિમોનો સંપર્ક કરીને દાન માટે અપીલ કરી હતી અને જોતજોતામાં ૩ લાખ રૂપિયા ભેગા થઇ ગયા હતા.
અમને બોલાવીને ૩ લાખનું દાન એકત્રિત કરી આપ્યું
પુજારીએ જણાવ્યું કે, મંદિરના જીર્ણોદ્ધાર માટે મે જ્યારે મારા મુસ્લિમ મિત્રને જણાવ્યું, ત્યારે તેને કહ્યું હતું કે, દાન એકત્રિત થશે જ તમે અહીં આવી જાઓ. અને અમને બોલાવીને ૩ લાખનું દાન એકત્રિત કરી આપ્યું હતું. જે બદલ એમના આભારી છીએ અને આજે આ પૈસા લઇ અમે અમારા ગામ પરત જઈશું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks