તેની ગર્ભવતી ભાભી સહિત આખા પરિવારને માર મારવામાં આવ્યો હતો. પરિવારનો આરોપ છે કે, પોલીસે વીડિયો પુરાવા હોવા છતાં જાણી જોઈને કાર્યવાહી ટાળી હતી
(એજન્સી) વિલ્લુપુરમ, તા.૧૦
તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાના વી. સીતામુર ગામમાં ત્રણ વર્ષ પહેલાં ચોરીની ફરિયાદ નોંધાવનાર ૨૭ વર્ષીય દલિત મહિલા પત્રકાર હવે તે જ ફરિયાદ માટે “સજા”નો સામનો કરી રહી છે. બે પ્રભાવશાળી જાતિના ભાઈઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા ત્યારથી તે સતત જાતિવાદી દ્વેષનો શિકાર બની રહી છે. ૨૨ જૂને તેના ભાઈ અને આખા પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેની ગર્ભવતી ભાભીનો પણ સમાવેશ થાય છે, જેને ચપ્પલથી માર મારવામાં આવ્યો હતો. બે અઠવાડિયા પછી મુખ્ય આરોપી ફરાર રહે છે અને તમિલનાડુ પોલીસની બેદરકારી સ્પષ્ટ છે. જાન્યુઆરી ૨૦૨૩માં પત્રકારના ઘરેથી બે બાઇક ચોરાઈ ગઈ હતી. તેણીએ ફરિયાદ નોંધાવી અને બે સ્થાનિક યુવાનો, રઘુ અને અંબુનું નામ આપ્યું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બંને ભાઈઓ રીઢા બાઇક ચોર હતા. તેમની પાસેથી પંદર બાઇક અને બે ટ્રેક્ટર મળી આવ્યા હતા. જોકે, પત્રકારની બાઇક મળી આવી ન હતી. બંને ભાઈઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારથી ભાઈઓ મહિલા રિપોર્ટર પર ગુસ્સે હતા. તેમણે તેણીને ધમકી આપી હતી કે તેણીને પ્રભાવશાળી જાતિના લોકો સામે ફરિયાદ કરવાની કિંમત ચૂકવવી પડશે. ૨૨ જૂનના રોજ પત્રકારના ઘરની બહાર એક દુકાનની સામે અંબુ અને એક વીમા એજન્ટ વચ્ચે ઝઘડો થયો. મહિલાનો ભાઈ સંજુએ (૩૧) તેમને શાંતિથી દુકાન છોડી જવા કહ્યું. અંબુ ત્યાંથી ચાલ્યો ગયો પરંતુ થોડા સમય પછી રઘુ અને અન્ય સહયોગીઓ સાથે પાછો ફર્યો. ટોળાએ સંજુ પર જાતિવાદી અપશબ્દો બોલવાનું અને તેના પર હુમલો કરવાનું શરૂ કર્યું. અવાજ સાંભળીને સંજુની ગર્ભવતી પત્ની, તેના ભાઈની પત્ની અને તેની માતા (૫૮) ઘરની બહાર આવી ગયા. આરોપીઓએ મહિલાઓ પર પણ જાતિવાદી અપશબ્દો બોલ્યા અને તેમના પર હુમલો કર્યો. રઘુએ ગર્ભવતી મહિલાને ચંપલથી ત્રણ વાર માર માર્યો અને તેને ધક્કો માર્યો. માતાની સાડી ફાટી ગઈ હતી. આરોપીઓએ પરિવારને ખુલ્લેઆમ ધમકી આપી હતી કે, “જ્યારે પણ પત્રકાર કામ માટે બહાર જશે ત્યારે તેઓ તેને પણ નિશાન બનાવશે.” સમગ્ર ઘટના ઘરમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ૨૩ જૂનના રોજ પીડિતોએ અરકંડનલ્લુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપીઓ પર SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ, મહિલા ઉત્પીડન નિવારણ અધિનિયમ અને મ્દ્ગજી અધિનિયમ હેઠળ આરોપ મૂક્યા હતા. જો કે, બે અઠવાડિયા પછી રઘુ, અંબુ અને અન્ય એક મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે. પોલીસે ફક્ત ચોથા આરોપી કુમારની ધરપકડ કરી છે. પોલીસનો દાવો છે કે, આરોપીઓ બેંગ્લુરૂમાં છે પરંતુ તેમનું ચોક્કસ સ્થાન અજાણ છે. પરિવાર અને કાર્યકરોનો આરોપ છે કે, વીડિયો પુરાવા હોવા છતાં પોલીસ જાણી જોઈને કાર્યવાહી ટાળી રહી છે. માનવાધિકાર કાર્યકર્તા વી. લલિતા જે પરિવારને કાનૂની સહાય પૂરી પાડી રહ્યા છે તેમણેTNIEને જણાવ્યું કે, છેલ્લા દાયકામાં અરકંડનલ્લુર પોલીસ સ્ટેશન હેઠળના ઘણા ગામો (વડકરૈથલાનુર, વસંથા કૃષ્ણપુરમ, વીરપંડી પુલિક્કલ, કડકકનુર, વગેરે)માં દલિતો સામે ગેંગ હિંસા અને હત્યાના કેસ નોંધાયા છે, પરંતુ કોઈને પણ સજા મળી નથી. લલિતા કહે છે, “SC/ST (PoA) કાયદા હેઠળ તાત્કાલિક ધરપકડ જરૂરી છે. ‘શોધી શકાતી નથી’ જેવા બહાના પોલીસની સંડોવણી તરફ ઈશારો કરે છે. દલિતો સાથે સંકળાયેલા કેસોમાં આ પોલીસ સ્ટેશન સતત નિષ્ફળ રહ્યું છે.” પીડિત એક મહિલા પત્રકાર કહે છે, “મારી ભાભી ગર્ભાવસ્થાના બીજા ત્રિમાસિક ગાળામાં છે અને તેને ભારે પીડા થઈ રહી છે. અમે બધા ડરી ગયા છીએ પરંતુ હું ડરથી મારી નોકરી છોડીશ નહીં.”