‘તમે અલ્લાહ માટે મત આપવા માગો છો કે, રામ માટે તે નક્કી કરો’ : કર્ણાટકમાં ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન

(એજન્સી) બેંગ્લુરૂ, તા. ૨૪
કર્ણાટકમાં ભાજપના ધારાસભ્ય સુનિલ કુમારે વિવાદિત નિવેદન આપતા કહ્યંુ છે કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં રામ અને અલ્લાહ વચ્ચે લડાઇ છે. કન્નડ જિલ્લાના બંટવાલમાં આયોજિત એક રેલીમાં સુનિલકુમારે કહ્યંુ છે કે, હાલના ધારાસભ્ય રામનાથ રાય હંમેશા કહેતા આવ્યા છે કે, તેમણે મુસ્લિમ સમુદાયના સમર્થનથી સત્તા હાંસલ કરી છે. તેમણે કહ્યું કે, બંટવાલ કોને ઇચ્છે છે, આ લડાઇ ભાજપના રાજેશ નાયક અને રામનાથ રાય વચ્ચેની નથી પરંતુ અલ્લાહ અને રામ વચ્ચેની છે. સુનિલ કુમારે કહ્યું કે, લોકોએ એક નિર્ણય લેવો પડશે કે શું તેમણે વારંવાર અલ્લાહને મત આપવો છે કે પછી તેઓ ભગવાન રામને પ્રેમ કરે છે. બંટવાલમાં તો ચૂંટણી મુદ્દો આ જ છે.
સુનિલ કુમારે આ બાબતને અસ્મિતા સાથે જોડાયેલી ગણાવતા કહ્યું કે, અમે એવા લોકોને ચૂંટી નથી શકતા જે કહે કે તેને હિંદુ મતોની જરૂર નથી. તેમણે કહ્યું કે, આ એવો મુદ્દો નથી જેની ચર્ચા ફક્ત બંટવાલમાં થવી જોઇએ પરંતુ સમગ્ર મેંગ્લોરમાં આ મહત્વનો મુદ્દો છે. કોંગ્રેસ નેતા રામનાથ રાયે કહ્યંુ કે અમે આ મુદ્દે ચૂંટણી પંચ સમક્ષ ભાજપની ફરિયાદ કરીશું. ભાજપ ચૂંટણીમાં ધર્મનો ઉપયોગ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ૨૨૪ સભ્યોવાળી કર્ણાટક વિધાનસભામાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે. આ પહેલા જ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક જંગ છેડાઇ ગયો છે. કર્ણાટક કોંગ્રેસે એક વીડિયો જારી કરી ભાજપને બીફ જનતા પાર્ટી ગણાવ્યું હતું. આ પહેલા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયા વચ્ચે પણ ગરમાગરમ ચર્ચા થઇ ચૂકી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks