તરાવીહની નમાઝ પઢી બહાર આવતા મુસ્લિમ ભાઈઓને ચા પીવડાવતા કોમી એકતાની જ્યોત પ્રજ્વલિત બની

વઢવાણમાં હિન્દુ યુવાન મનોજનું પ્રશંસનીય કાર્ય મઝહબ નહીં શિખાતા આપસ મેં બેર રખના તો આપણે શા માટે એકબીજા વચ્ચે વેરઝેર રાખવું જોઈએ : મનોજભાઈ

સુરેન્દ્રનગર, તા.ર૬
આજે દેશમાં મુસ્લિમો પ્રત્યે નફરતનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. મુસ્લિમોને ભાંડવામાં એક તક જતી કરવામાં આવતી નથી. જ્યારે બીજી બાજું એક એવો વર્ગ છે જે મુસ્લિમો સાથે છે. જે દરેક સમયે મુસ્લિમોની પડખે છે. જેથી એવું લાગે છે કે દેશમાં હિન્દુ-મુસ્લિમ એકતા યથાવત છે. વાર-તહેવારે તથા સુખ-દુુઃખની ઘડીમાં બંને કોમના લોકો સાથે જોવા મળે છે. નાતજાતના ભેદભાવ વિના સાથે ખાવું-પીવું, સાથે બેસવું ફરવું એ એકતાની નિશાન છે.
ભાઈચારો અને કોમી એકતાનું વાતાવરણમાં નફરતભર્યા માહોલમાં હજુ પણ જોવા મળે છે. કોમી એકતા અને ભાઈચારાની મિશાલ પ્રજ્વલિત કરતો બનાવ વઢવાણ શહેરમાં જોવા મળી રહ્યો છે. પવિત્ર રમજાન માસ વેળા તરાવીહની નમાઝ અદા કરી બહાર આવતા મુસ્લિમ ભાઈઓને હિન્દુ યુવાન ચા પીવડાવતા કોમી એકતાનું ઉદાહરણ પૂરૂં પાડયું છે. હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. મુસ્લિમો રોઝા રાખી રહ્યા છે. સાથે પાંચ ટાઈમની નમાઝ પઢી રહ્યા છે. કુર્આન શરીફની તિલાવત કરી રહ્યા છે. સાથે ખૈરાત ઝકાત પણ કરી રહ્યા છે ત્યારે વઢવાણ શહેરમાં કસ્બા શેરીના નાકે આવેલ મસ્જિદમાં મુસ્લિમો તરાવીહની નમાઝ પઢવા જાય છે. નમાઝ પઢી બહાર આવે છે. ત્યારે કસ્બા શેરીના નાકે મનોજ ખોડીદાસ નામનો હિન્દુ યુવાન મોટું તપેલું ચઢાવી ચા મુકે છે. જે ચા મસ્જિદમાંથી બહાર નીકળતા નમાઝીભાઈઓને પીવડાવે છે. જેની ચોતરફ પ્રશંસા થઈ રહી છે. લોકો તેની આ નેકીના કાર્યની પ્રશંસા કરી રહ્યા છે. જ્યારે તેના આ કાર્યથી કોમી એકતા અને ભાઈચારાના અનેરા દૃશ્યો સર્જાયા હતા. આ અંગે મનોજે જણાવ્યું હતું કે તેમના દાદા મગનભાઈ વર્ષો સુધી મુસ્લિમ વિસ્તારોમાં રહ્યા હતા અને સ્ટેટ કારભારી તરીકે સેવાઓ આપી હતી. અને વર્ષોથી મુસ્લિમો સાથે રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ‘મઝહબ નહીં શિખાતા આપસ મેં બેર રખના હિન્દી હૈ હમ વતન હૈ હિન્દુસ્તાન હમારા’ દરેક ધર્મનો આદર કરવો જોઈએ. મનુષ્યએ માનવધર્મ નિભાવવો જોઈએ. હાલમાં તેઓ મુસ્લિમોની સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહે છે. આપણે શા માટે વેરઝેર રાખવા જોઈએ. ભેગા મળી સારા કાર્યો કરવા જોઈએ. જે આપણી ફરજ છે. આ અંગે સ્થાનિક રહીશ સિરાજભાઈએ જણાવ્યું હતું કે મનોજભાઈ જ્ઞાતિ-જાતિના ભેદભાઈને ભૂલી આ સારૂં કાર્ય કરી રહ્યા છે. તેઓ છેલ્લા રપ વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે. જે પ્રશંસનીય છે. અન્ય ગામો કે રાજ્યમાં આ રીતે ભાઈચારાનો માહોલ જળવાઈ રહે તથા દેશમાં અમન અને ભાઈચારાનો માહોલ સદાય જળવાઈ રહે તેવી દુઆ ખુદા પાસે કરવી જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts