તલાટીઓને સોગંધનામું કરવાની સત્તાથી પ્રજાને નુકસાન, ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળશે

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૮
રાજયના મહેસુલ વિભાગ દ્વારા કોઈપણ કાયદાકીય પ્રક્રિયા વગર તલાટીઓને રર પ્રકારની એફિડેવિટ કરવાની સત્તા આપવામાં આવી છે. જે સીઆરપીસી-સીપીસી અને ઓથએકટની બંધારણીય જોગવાઈ વિરૂદ્ધ છે. આથી તલાટી કમ મંત્રીઓને એફિડેવિટ કરવા સોંપાયેલી સત્તા પર લેવા યુથ કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય અતિક સૈયદે મુખ્યમંત્રીએ પત્ર પાઠવી માગ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે સરકાર દ્વારા ઓથ એકટ ૧૯૬૯ની કલમ-૩ની જોગવાઈ મુજબ તલાટી-કમ મંત્રીને એફિડેવિટ કરવાની સત્તા આપવામાં આવી છે. પરંતુ કેન્દ્રના કોઈપણ કાયદામાં સુધારો કરવાની સત્તા લોકસભા અને રાજયસભાને જ છે. ત્યારે ગુજરાત સરકારે આ મુજબનો ઠરાવ કરીને તલાટીને વિશાળ સત્તાઓ આપીને નોટરીઓ તથા વકીલ આલમ સાથે અન્યાય કર્યો છે. રાજયમાં હાલ ત્રણથી ચાર ગામડાઓ વચ્ચે એક જ તલાટી છે. આથી તલાટીઓ હાલની કામગીરી પણ યોગ્ય રીતે કરી શકતા નથી. ત્યારે તેમને એફિડેવિટ કરવાની વધારાની જવાબદારી સોંપવામાં આવશે તો તલાટીની કામગીરી ઉપર વધારાનો બોજો પડશે. ઉપરાંત તલાટી ખોટી એફિડેવિટ કરશે તો પ્રજાને નુકસાન થઈ શકે છે. ઉપરાંત ભ્રષ્ટાચારને પણ પ્રોત્સાહન મળશે. વકીલો ખાસ કરીને જુનિયર વકીલો અને રેવન્યુ પ્રેકિટસ સાથે જોડાયેલા તેમજ પિટિશન રાઈટર કે જેમનો આર્થિક સ્ત્રોત આ એક જ પરિપત્રથી છીનવાઈ ગયો છે. સરકારે વકીલો માટે કોરોના જેવી મહામારી દરમ્યાન પણ કોઈ સહાય જાહેર કરી નથી ત્યારે કાયદાકીય પ્રક્રિયા વગર, લાયકાત જોયા વિના તેમજ સ્ટેમ્પ એકટમાં સુધારો કર્યા વિના સોગંદનામાની તમામ સત્તા તલાટી કમમંત્રીને સોંપી નોટરીના પાવર આપ્યા છે. તે સીઆરપીસી સીપીસી અને ઓથ એકટની વિરૂધ્ધ છે તેને પરત ખેંચવા યુથ કોંગ્રેસના અતિક સૈયદે માંગ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts