(એજન્સી) તા.૫
પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર તાહીર હુસેન સ્વયં નોર્થ ઇસ્ટ દિલ્હીના રમખાણનો ભોગ બન્યાં છે અને દિલ્હી પોલીસે ચાર્જશીટ સાથે તેમનું જે એકરારનામું પ્રાપ્ત કરીને બીડેલ છે તે અદાલતમાં માન્ય અને ગ્રાહ્ય રાખી શકાય તેવું નથી એવું તાહીર હુસેનના વકીલ જાવેદ અલીએ જણાવ્યું હતું.
જાવેદ અલીએ જણાવ્યું છે કે પોલીસે પોતાની રીતે સાચી હકીકતને તરોડી મરોડીને રજૂ કરી છે. તાહીર હુસેને દિલ્હી રમખાણોના સંદર્ભમાં આવી કોઇ વાતનો સ્વીકાર કર્યો નથી. વાસ્તવિકતા તો એ છે કે તાહીર હુસેન સ્વયં એક રમખાણગ્રસ્ત છે અને તેમને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યાં છે.
તાહીર હુસેનના એકરારનામા અંગે વાત કરતાં જાવેદ અલીએ જણાવ્યું હતું કે માર્ચના આરંભમાં તાહીર હુસેનની ધરપકડ બાદ તુરત આ એકરારનામું રેકોર્ડ કરવામાં આવ્યું હતું જે હવે અદાલતમાં સુપરત કરેલ પૂછપરછના ભાગરુપ છે. પરંતુ આ પ્રકારના એકરારનામાને પોલીસ દ્વારા લખીને ટાઇપ કરવામાં આવે છે અને ત્યાર બાદ તેના પર આરોપીની સહી લેવામાં આવતી હોય છે પરંતુ તેની કોઇ કાયદેસરતા હોતી નથી.
સીઆરપીસીની કલમ ૧૬૪ હેઠળ મેજીસ્ટ્રેટ સમક્ષ કરવામાં આવેલ એકરાર નિવેદનના જ કાયદાની દ્રષ્ટિએ ગ્રાહ્ય અને માન્ય છે. પોલીસ પાસે પોતાના દાવાના સમર્થનમાં કોઇ પુરાવા નથી. જાવેદ અલીએ જણાવ્યું હતું કે જો કોઇ વ્યક્તિ આવા સમયે પોલીસ સમક્ષ કોઇ પણ પ્રકારનું કન્ફેશન કરે છે તો પણ તેને માન્ય રાખવામાં આવતું નથી અને તેના આધારે વ્યક્તિને દોષી ગણી શકાય નહીં. ઇન્ડિયન એવિડન્સ એક્ટ હેઠળ એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ પ્રકારના કોઇ નિવેદન કોઇને પણ દોષી સાબિત કરી શકે નહીં. વાસ્તવમાં ઇન્ડિયન એવિડેન્સ એક્ટમાં પુરાવાની જે ભાષા છે તે હેઠળ આ નિવેદન આવી શકે નહીં. દરમિયાન પોલીસે એવો દાવો કર્યો છે કે તાહીર હુસેને એવો એકરાર કર્યો છે કે ફેબ્રુ.૨૦૨૦માં નોર્થ ઇસ્ટ દિલ્હીમાં થયેલ હિંસા માટે લોકોને ભડકાવવામાં તેનો હાથ હતો.