(એજન્સી) તા.૩૦
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીએ તાજેતરમાં જ અમુક તપાસ તથા ઓડિટ સંબંધિત આદેશ આપ્યા હતા. આ તમામ આદેશો ભ્રષ્ટાચારના આરોપો સંબંધિત જ હતા. તેના પર ભારપૂર્વક તેમણે ટોચના સરકારી બાબુઓને કહ્યું કે તમામ મામલાઓ પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરો. તેમણે આ મામલે એક બેઠક પણ બોલાવી હતી. તાજેતરમાં જ તેમણે કોરોના વાઈરસની મહામારીને પહોંચી વળવા માટે મેડિકલ ઉપકરણોની ખરીદી મામલે ભ્રષ્ટાચાર થયાની ફરિયાદની તપાસ કરવાના આદેશ આપ્યા હતા. તેની સાથે જ ત્રણ મહિનામાં જ તટબંધો તૂટી પડવાને કારણે પણ તેમણે નારાજગી વ્યક્ત કરી હતી અને આ મામલે અધિકારીઓને ત્વરિત કાર્યવાહી કરવા કહ્યું હતું. વહીવટી અધિકારીઓની બેઠકમાં ચાલુ અઠવાડિયા પૂર્વે મમતા બેનરજીએ મુખ્ય સચિવને કહ્યું હતું કે તમામ ગ્રેવિયાન્સને સીએમઓ સમક્ષ હાજર થવા કહો. તેમણે કહ્યું કે અધિકારીઓને કહ્યું કે મેડિકલ ઉપકરણોની ખરીદીમાં પણ ભ્રષ્ટાચારની ફરિયાદ સંબંધિત અધિકારીઓ ત્વરિત સીએમઓ સમક્ષ હાજર થાય.
વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સરકાર થર્ડ પાર્ટી ઓડિટ કરાવશે. રાજ્યના પંચાયત વિભાગમાં પણ ચાલી રહેલા ભ્રષ્ટાચાર મામલે અમે ચૂપ બેસવાના નથી. વરિષ્ઠ ટીએમસી નેતાએ જણાવ્યું કે પાર્ટી પર પહેલાંથી જ ભ્રષ્ટાચારના આરોપો લાગી રહ્યાં છે અને તેના કારણે પાર્ટીની છબિ ખરડાઈ રહી છે.