કુશલ રાજ ચક્રવર્તીએ Ikea, BPLઅને Amway માં વર્ષો સુધી વૈશ્વિક ભૂમિકાઓ ભજવી. પછી ગુરુગ્રામ બસ સ્ટોપ પરની એક ક્ષણે બધું બદલી નાખ્યું. ૨૦૧૩ માં, તેમણે ભાડાના રૂમમાં છ બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. આજે, તેમાંથી એક ડૉક્ટર છે
(એજન્સી) તા.૧૦
વૈશ્વિક સ્તરે ઉજ્જવળ ભવિષ્ય, લાખો રૂપિયાનું પેકેજ અને આરામદાયક લાઈફસ્ટાઈલ છોડીને કોઈ વ્યક્તિ ગરીબ બાળકો માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દે – આવી વાર્તાઓ બહુ ઓછી જોવા મળે છે.IIM લખનૌથી MBA થયેલા અને IKEA, BPL તથા Amway જેવી નામાંકિત બહુરાષ્ટ્રીય કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરી ચૂકેલા કુશલ રાજ ચક્રવર્તીના જીવનમાં ૨૦૧૧ની એક ઠંડી સવારે બધું બદલી નાખ્યું.એક ઠંડી સવાર જેણે આખું જીવન બદલી નાખ્યું : નવેમ્બર ૨૦૧૧માં ગુરુગ્રામ ખાતે એક સવારે કુશલ પોતાની દીકરીઓને શાળાએ મૂકવા બસ સ્ટોપ પર ઊભા હતા. તેમની દીકરીઓ ગરમ કપડાંમાં વીંટળાયેલી હતી, છતાં તેઓ વિચારતા હતા કે તેમને પૂરતી ગરમાશ મળે છે કે નહીં. એ જ ક્ષણે બે ગરીબ બાળકો તેમની પાસેથી પસાર થયા – તેમની પાસે સ્વેટર નહોતા અને એકના પગમાં ચંપલ પણ નહોતા. આ દ્રશ્યે તેમને ઊંડે સુધી હચમચાવી મૂક્યા. તેમણે વિચાર્યું કે આ બાળકોના માતા-પિતા પણ તેમના માટે એ જ સપના જોતા હશે જે હું મારી દીકરીઓ માટે જોઉં છું, તફાવત ફક્ત તકોનો છે. તે બાળકોનો પીછો કરતા તેઓ નજીકના એક મંદિરમાં ચાલતી શાળામાં પહોંચ્યા, જ્યાં ૨૫૦ વંચિત બાળકો પાયાની સુવિધાઓ વગર ભણતા હતા. તેમણે તરત જ બૂટ, મોજાં અને સ્વેટર ખરીદી આપ્યા, પરંતુ તેમને સમજાયું કે બાળકોને માત્ર કપડાંની નહીં પણ શાળામાં ટકી રહેવા અને ભવિષ્ય બનાવવા માટે લાંબા ગાળાના સાથની જરૂર છે.૬ બાળકોથી શરૂ થયેલી અનોખી સફર : તેમણે ’લોટસ પેટલ ફાઉન્ડેશન’ ની નોંધણી કરાવી. એપ્રિલ ૨૦૧૩માં પોતાની બચત અને ૪૦ લાખ રૂપિયાની લોન લઈને તેમણે ગુરુગ્રામના એક ભાડાના રૂમમાં માત્ર ૬ બાળકો સાથે કામ શરૂ કર્યું. તેમણે વધેલી ઉંમરના અને અભ્યાસમાં પાછળ રહી ગયેલા બાળકો માટે ૫ વર્ષનો ખાસ ’ફાસ્ટ-ટ્રેક પ્રોગ્રામ’ તૈયાર કર્યો. ઘરે-ઘરે જઈ વાલીઓને મનાવ્યા અને સિસ્ટમમાં શિસ્ત લાવવા એક નાના રૂમમાં પણ બાયોમેટ્રિક મશીન મૂક્યું. ૨૦૧૬માં જ્યારે તેમની પ્રથમ બેચના બાળકોએ CBSE બોર્ડની પરીક્ષા પાસ કરી, ત્યારે તેમનો વિશ્વાસ મજબૂત થયો. સપ્ટેમ્બર ૨૦૧૬માં તેમણે આઈકિયાની લાખોના પેકેજવાળી ગ્લોબલ નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને પૂરો સમય આ મિશનને આપવાનો નિર્ણય કર્યો.જ્યારે એક વિદ્યાર્થીની ડોક્ટર બની : ફાઉન્ડેશનની સૌથી ભાવુક અને મોટો વિજય ગણાય તેવી પણ ૨૦૨૪માં આવી, જ્યારે તેમની પ્રથમ ૬ વિદ્યાર્થીઓમાંની એકદીકરી – જે ૧૪ વર્ષની ઉંમરે ધોરણ ૪માં જોડાઈ હતી – તે માત્ર ૬ વર્ષમાં મેડિકલ કોલેજ પહોંચીને ડોક્ટર બની. આશિષ અને ગુડિયાની સફળતા : વંચિત પરિવારમાંથી આવતો આશિષ – જે એક સમયે ભણતર છોડવાની અણી પર હતો – આજે ડિગ્રી મેળવવાની સાથે ટેકનિકલસપોર્ટ એડવાઈઝર તરીકે કામ કરે છે. એવી જ રીતે આત્મવિશ્વાસ ગુમાવી ચૂકેલી ગુડિયા કુમારી આજે સોફ્ટવેર ક્વોલિટી એશ્યોરન્સ અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સફળ કરિયર બનાવી ચૂકી છે.સ્વાભિમાન અને ફી મોડેલ : વાલીઓમાં માલિકી અને ગૌરવની ભાવના જળવાય તે માટે મહિને રૂા.૧,૫૦૦ ફી રાખવામાં આવે છે. પરંતુ જો વાલીઓ સક્રિય રહે અને બાળકમાં સારો સુધારો દેખાય, તો ફાઉન્ડેશન આ આખી ફી શિષ્યવૃત્તિ સ્વરૂપે પરત કરી દે છે.આજના સમયમાં વટવૃક્ષ બનતી સંસ્થા : આજે ગુરુગ્રામના પોતાના કેમ્પસમાં ૧,૨૦૦થી વધુ બાળકો અભ્યાસ કરે છે. સંસ્થા બાળકોને માત્ર શિક્ષણ જ નહીં પણ દિવસમાં બે વાર પૌષ્ટિક ભોજન, આરોગ્ય સંભાળ, માનસિક કાઉન્સેલિંગ અને ડિજિટલ તથા વોકેશનલ સ્કિલ્સની તાલીમ આપે છે.કોવિડ-૧૯ દરમિયાન શરૂ કરાયેલા ’વિદ્યા સહયોગ’ પ્રોગ્રામ દ્વારા આજે ૧૬ રાજ્યોની ૨૭૫થી વધુ શાળાઓના ૧૦,૦૦૦થી વધુ બાળકો સુધી ડિજિટલ માધ્યમથી શિક્ષણ પહોંચી રહ્યું છે. KPMG એક સ્વતંત્ર રિપોર્ટ મુજબ, આ ફાઉન્ડેશનમાં રોકાયેલા દરેક રૂા.૧ સામે સમાજમાં રૂા.૩.૬૪ જેટલું સામાજિક મૂલ્ય ઉત્પન્ન થાય છે.એક સમયના કોર્પોરેટ લીડરમાંથી આજે હજારો બાળકો માટે ’સુપર-પેરન્ટ’ બનેલા કુશલ રાજ ચક્રવર્તીની આ કહાણી સાબિત કરે છે કે જો બદલાવ લાવવાની દાનત હોય, તો એક નાની શરૂઆત પણ ક્રાંતિ સર્જી શકે છે.