કેરળના કોઝિકોડની રહેવાસી નૌજીશાને રોજબરોજ દુર્વ્યવહાર અને અપમાનનો સામનો કરવો પડ્યો. તે માનસિક રીતે અસ્થિર હતી અને તેના લગ્નથી એટલી કંટાળી ગઈ હતી કે તેણે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ આજે તે ઘણી સ્ત્રીઓ માટે પ્રેરણા બની ગઈ છે
(એજન્સી) તા.૧
એક સમય હતો જ્યારે કેરળના કોઝિકોડની રહેવાસી નૌજીશાને રોજબરોજ દુર્વ્યવહાર અને અપમાનનો સામનો કરવો પડ્યો હતો. તે માનસિક રીતે અસ્થિર હતી અને તેના લગ્નથી એટલી કંટાળી ગઈ હતી કે તેણે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ આજે, ૩૨ વર્ષીય નૌજીશા એક પોલીસ અધિકારી છે અને ઘણી સ્ત્રીઓ માટે પ્રેરણા છે. નૌજીશાએ કમ્પ્યુટર એપ્લિકેશન્સ (MCA)માં માસ્ટર્સ કર્યું છે અને લગ્ન પહેલાં ગેસ્ટ લેક્ચરર તરીકે કામ કર્યું હતું. પછી ૨૦૧૩માં તેણીના લગ્ન થયા અને અહીંથી તેના જીવનમાં મુશ્કેલીઓ શરૂ થઈ. નૌજીશા લગ્ન પછી પણ કામ ચાલુ રાખવા માગતી હતી. લગ્ન પહેલાં તેનો પતિ તેના પ્રસ્તાવ સાથે સંમત હતો, પરંતુ લગ્ન પછી, તેણે નૌજીશાને ઘરે જ રહેવાનો આગ્રહ કર્યો.નૌજીશા સંમત થઈ. પરંતુ સમય જતાં, તેણીને ખ્યાલ આવવા લાગ્યો કે આ લગ્ન તેના માટે એક સાંકળ જેવું હતું. તેનો પતિ તેને નાની નાની બાબતોમાં માર મારતો હતો. જોકે નૌજીશાનો પરિવાર હંમેશા તેની સાથે ઊભો રહ્યો અને તેને ઘરે પાછા ફરવા માટે આગ્રહ પણ કરતો હતો, સામાજિક કલંકના ડરથી નૌજીશા તેના પતિના ઘરે જ રહી.તેના ૧ વર્ષના પુત્ર સાથે એક હિંમતવાન પગલું ભરતા, તે પોલીસ અધિકારી બની.વર્ષો સુધી આ લગ્નજીવન સહન કર્યા પછી, નૌજીશાની હિંમત સંપૂર્ણપણે તૂટી ગઈ અને તેણે તેના ઘરની સામેના કૂવામાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ કૂવામાં પહોંચતા જ તેના પગલાં થંભી ગયા અને તેણે સંજોગો સામે લડવાનું નક્કી કર્યું.૨૦૧૬માં ત્રણ વર્ષ સુધી અત્યાચાર સહન કર્યા પછી, તેણી તેના ૧ વર્ષના પુત્ર સાથે તેના પતિનું ઘર છોડી ગઈ. તેના માતાપિતાએ પણ આ નિર્ણયમાં તેણીને ટેકો આપ્યો. છૂટાછેડા પછી, નૌજીશાએ જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું અને લેક્ચરર તરીકેની નોકરી ફરી શરૂ કરી. તેણીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ ચાલુ રાખી.નૌજીશાએ કેરળ પોલીસ સ્પેશિયલ રિક્રુટમેન્ટ પરીક્ષા આપી અને સફળતાપૂર્વક સિવિલ પોલીસ ફોર્સમાં જોડાઈ. આજે, પોતાની મહેનત અને જુસ્સાથી, નૌજીશા કેરળમાં પોલીસ અધિકારી તરીકે સેવા આપે છે, લોકોને સુરક્ષિત રાખવાની જવાબદારી નિભાવે છે !પોતાના જુસ્સાથી, તે મહિલા સશક્તિકરણનું એક તેજસ્વી ઉદાહરણ અને દેશભરની અન્ય મહિલાઓ માટે પ્રેરણા બની છે.