ન્યૂ ચંદીગઢ ખાતે રમાયેલી શ્રેણીની અંતિમ વનડે મેચમાં નિર્ધારિત સમયમાં ઓવર પૂરી ન કરી શકવા બદલ બંને ટીમો વિરૂદ્ધ કાર્યવાહી
તા.૫
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં સ્લો ઓવર-રેટ જાળવવા બદલ બંને ટીમો પર આઈસીસી (ICC) દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. ન્યૂ ચંદીગઢ ખાતે રમાયેલી આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ૩૫૧ રનના ટાર્ગેટનો પીછો કરીને વિજય મેળવ્યો હતો. જોકે, નિર્ધારિત સમયમર્યાદા બાદ આપવામાં આવતી સમય છૂટછાટોને ગણતરીમાં લીધા પછી પણ ભારતીય ટીમ નિર્ધારિત સમય કરતા ૪ ઓવર પાછળ રહી હતી, જ્યારે પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝ ટીમ ૨ ઓવર પાછળ રહી હતી. જેના પરિણામે ભારતીય ટીમ પર મેચ ફીના ૨૦ ટકા અને વેસ્ટ ઈન્ડિઝ પર ૧૦ ટકાનો દંડ લગાવાયો છે. મેચ રફી પ્રકાશ ભટ્ટ દ્વારા આ પેનલ્ટી લાદવામાં આવી હતી. આઈસીસીના આચાર સંહિતાના આર્ટિકલ ૨.૨ મુજબ, નિર્ધારિત સમયમાં ઓવર પૂરી કરવામાં નિષ્ફળ રહેવા પર પ્રતિ ઓવર ૫ ટકા ફી કાપવાનો નિયમ છે. આ મેચમાં ઓન-ફીલ્ડ અમ્પાયરો જયરામન મદનગોપાલ અને સેમ નોગાજસ્કી તેમજ થર્ડ અમ્પાયર શરફુદ્દોલા ઈબ્ને શાહિદ અને ફોર્થ અમ્પાયર વીરેન્દર શર્માએ સ્લો ઓવર-રેટના આરોપો મૂક્યા હતા. બંને ટીમોના કેપ્ટનોએ પોતાની ભૂલ સ્વીકારી લેતા આ મામલે કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર પડી ન હતી. ક્રિકેટની રમત વિષે વાત કરીએ તો, ભારતીય ટીમે ૩ મેચોની આ વનડે શ્રેણી ૨-૧થી પોતાના નામે કરી લીધી છે. પ્રથમ બે મેચોમાં ભારતીય બેટરોએ ૨૯૬ અને રેકોર્ડબ્રેક ૪૦૬ રનના લક્ષ્યાંકનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો. ત્રીજી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા ૩૫૧ રન બનાવ્યા હતા, પરંતુ શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય બોલિંગ લાઇન-અપ આ સ્કોરનો બચાવ કરવામાં નિષ્ફળ રહી હતી. વેસ્ટ ઈન્ડિઝે માત્ર ૨ વિકેટ ગુમાવીને ૪૮.૨ ઓવરમાં ૩૫૨ રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. અંતિમ મેચમાં બોલિંગ ક્ષેત્રે નબળાઈઓ અને ઓવર-રેટના દંડ છતાં, ભારતીય ટીમ માટે આ શ્રેણીમાં ઘણા સકારાત્મક પાસાઓ રહ્યા છે. ખાસ કરીને ભારતનો ટોપ ઓર્ડર – રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલી ઉત્તમોત્તમ ફોર્મમાં જોવા મળ્યા છે. રોહિત અને કોહલીએ શ્રેણીમાં એક-એક સદી નોંધાવી હતી, જ્યારે ગિલે પ્રથમ મેચમાં સદી અને ત્યારબાદ રેકોર્ડબ્રેક બેવડી સદી ફટકારી હતી. ૨૦૨૭ના વર્લ્ડ કપની તૈયારીઓની શરૂઆત માટે ભારતીય ટીમ આ શ્રેણીના પ્રદર્શનથી એકંદરે સંતુષ્ટ હશે.