(એજન્સી) તા.૩૦
આરોગ્ય સૂત્રોએ જણાવ્યું કે રવિવારે દક્ષિણી ગાઝાપટ્ટીમાં વિસ્થાપિત પેલેસ્ટીનીઓ માટે બનાવવામાં આવેલ માનવીય ક્ષેત્ર પર ઈઝરાયેલી હુમલાઓમાં એક બાળક સહિત ૮ નાગરિકો મૃત્યુ પામ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે ખાન યુનુસના પશ્ચિમમાં અલ-મવાસીમાં નાગરિકોની એક સભા પર એક ઈઝરાયેલી ડ્રોન દ્વારા બે મિસાઈલો દાગવાથી પાંચ લોકોનાં મોત થયા છે. ગાઝાપટ્ટી પર ઈઝરાયેલના જારી આક્રમણની વચ્ચે અલ-મવાસીને ઈઝરાયેલી સેના દ્વારા વિસ્થાપિત પેલેસ્ટીનીઓ માટે માનવીય ક્ષેત્ર તરીકે નામિત કરવામાં આવ્યા હતા. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે એક અન્ય ઈઝરાયેલી યેરી ડ્રોને ખાન યુનુસના મધ્ય ક્ષેત્રના સિક્કા મહોલ્લામાં વ્યવસાયિક દુકાનો પર હુમલો કર્યો. જેમાં એક બાળક સહિત ત્રણ લોકોનાં મોત થયા છે. ઈઝરાયેલી હુમલાઓ પછી ૮ લોકોનાં મૃતદેહોને ખાન યુનુસની નાસીર હોસ્પિટલમાં સ્થળાંતરીત કરી દેવામાં આવ્યા. આ રિપોર્ટ પર ઈઝરાયેલી સેના તરફથી અત્યાર સુધી કોઈ ટિપ્પણી નથી આવી. નાગરિક સુરક્ષા પ્રવકતા મહમુદ બસલે જણાવ્યું કે તે ઉપરાંત ગાઝા શહેરના પશ્ચિમમાં તેલ અલ-હવામાં ઈઝરાયેલી બોમ્બમારામાં ચાર પેલેસ્ટીની મૃત્યુ પામ્યા. તાત્કાલિક યુદ્ધ વિરામની માંગ કરનારા સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવની અવહેલના કરતા ૭ ઓકટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા પછીથી ગાઝા પર જારી ક્રુર હુમલાના કારણે ઈઝરાયેલને આંતરરાષ્ટ્રીય ટીકાનો સામનો કરવો પડયો છે.