(એજન્સી) ગાજીપુર, તા. ર૧
મંગળવારે મોડી રાત્રે રેવતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારની નવલી ગ્રામ સભામાં દલિત-ઠાકુર સમુદાય વચ્ચે જૂથ અથડામણ થયા બાદ બુધવારની સવારે પોલીસે મચાવેલા આતંકની વિરૂદ્ધ ધરણા પર બેઠેલ મોહમ્મદાબાદના ધારાસભ્ય અલકા રાય અને સુનિતા સિંહે બુધવારે રાત્રે લગભગ ૯ : ૩૦ કલાકે પોતાના ધરણા સમાપ્ત કર્યા. આ ધારાસભ્યોને ગાજીપુરના પોલીસ અધિક્ષક દ્વારા દોષિત પોલીસકર્મીઓની વિરૂદ્ધ કાર્યવાહી કરવાનું આશ્વાસન અપાયા બાદ ધરણા સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી. પોલીસ અધિકારી સોમેન વર્માએ સી.ઓ. કાસિમાબાદ કૃષ્ણકાંત સરોજને હટાવીને તેમના સ્થાને મોહમ્મદાબાદ સી.ઓ. મહિપાલ પાઠકને કાસિમાબાદની કમાન સોંપી છે. બીજી તરફ રેવતીપુરના સ્ટેશન ઈન્ચાર્જ રામબાબુ ચૌધરીને ર૪ કલાકની અંદર સસ્પેન્ડ કરવાનું આશ્વાસન ગાઝીપુરના પોલીસ અધિક્ષક દ્વારા ધારાસભ્યને આપવામાં આવ્યું છે. મોહમ્મદાબાદના ધારાસભ્ય અલ્કા રાયે બુધવારે સવારે નવલી ગ્રામ સભામાં થયેલી પોલીસ કાર્યવાહીની વિરૂદ્ધ ધરણા યોજ્યા અને કાસિમાબાદના સી.ઓ.ને સસ્પેન્ડ કરવાની જીદ કરી. ઘણી મુશ્કેલીઓ બાદ કાસિમાબાદની જવાબદારી મહિપાલ પાઠકને સોંપી અને કાસિમાબાદના સી.ઓ. કૃષ્ણકાંત સરોજની વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે પત્ર લખવાની વાત કહી.