ઉધમ સિંહ નગર જિલ્લાના બાજપુરના એક દલિત પત્રકારે સ્થાનિક પોલીસ પર કસ્ટોડિયલ ત્રાસ, જાતિ આધારિત દુર્વ્યવહાર અને તેમની મિલકતના ગેરકાયદેસર તોડી પાડવાનો આરોપ લગાવ્યો છે, જેનો પોલીસ અધિકારીઓએ સખત ઇન્કાર કર્યો છે
(એજન્સી) તા.૧૬
કેશોવાલા ગામના રહેવાસી, ગોલ્ડી નિર્ભિક તરીકે પણ ઓળખાતા વિમલ ભારતીએ કહ્યું કે તેઓ ૧૩ વર્ષથી વધુ સમયથી સ્વતંત્ર પત્રકાર તરીકે કામ કરે છે, કથિત વહીવટી અનિયમિતતાઓ પર રિપોર્ટિંગ કરે છે. તેમણે પત્રકારોને જણાવ્યું કે, ૧૧ નવેમ્બરના રોજ બાજપુર પોલીસ સ્ટેશનમાં ચોક્કસ પોલીસ અધિકારીઓની વારંવાર પોસ્ટિંગ પર સવાલ ઉઠાવતો અહેવાલ પ્રકાશિત કર્યા પછી મુશ્કેલી શરૂ થઈ હતી. ભારતીએ કહ્યું, ‘મેં ૧૨ નવેમ્બરના રોજ ભારતના રાષ્ટ્રપતિ, કેન્દ્રીય ગૃહ મંત્રાલય, ઉત્તરાખંડના મુખ્યમંત્રી, રાજ્યપાલ અને ડીજીપીને પત્ર લખ્યો હતો, કારણ કે મારા વિરૂદ્ધ ખોટો કેસ દાખલ થઈ શકે છે.’ તેમણે આરોપ લગાવ્યો કે બીજા જ દિવસે, પીડબ્લ્યુડી સહાયક ઇજનેર નેહા શર્મા અને એક જેસીબી મશીન સાથે પોલીસ ટીમ તેમના ઘરે પહોંચી અને અતિક્રમણનો ઉલ્લેખ કરીને એક માળખું તોડી પાડ્યું. તેમણે દાવો કર્યો કે, ‘મેં જાતે તેને દૂર કરવા માટે સમય માંગ્યો, પરંતુ મને ના પાડી દેવામાં આવ્યો. જ્યારે મેં મારા ફોન પર તોડી પાડવાનું રેકોર્ડિંગ કર્યું, ત્યારે પોલીસે તેને છીનવી લીધું અને મને આતંકવાદીની જેમ કસ્ટડીમાં લઈ લીધો’. ભારતીએ જણાવ્યું કે પોલીસે પીડબ્લ્યુડી અધિકારીની ફરિયાદના આધારે બીએનએસ, ૨૦૨૩ની કલમ ૧૩૨, ૨૨૧ અને ૩૫૧(૨) હેઠળ તેમની સામે કેસ નોંધ્યો. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે તેમને કલમ ૪૧છ હેઠળ નોટિસ વિના અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને બાદમાં બન્નાખેરા આઉટપોસ્ટ લોક-અપમાં લઈ જવામાં આવ્યા હતા. કસ્ટડીમાં તેમના અનુભવ વિશે બોલતા, ભારતીએ કહ્યું, ‘મને માર મારવામાં આવ્યો, કપડાં ઉતારવામાં આવ્યા, જાતિવાદી અપશબ્દો બોલી દુર્વ્યવહાર કરવામાં આવ્યો, જૂતામાંથી પાણી પીવાની ફરજ પાડવામાં આવી અને મારા મોબાઇલ અને ઇ-મેઇલ પાસવર્ડ આપવા માટે દબાણ કરવામાં આવ્યું. તેઓએ મારા વ્યાવસાયિક એકાઉન્ટ્સ એક્સેસ કર્યા અને મારું કામ ડિલીટ કરી નાખ્યું હતું.’ તેમણે ઉમેર્યું કે તેમણે ૧૫ ડિસેમ્બરે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી અને બાદમાં ૨૫ ડિસેમ્બરે હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેમનો દાવો છે કે જાન્યુઆરી ૨૦૨૬માં નોટિસ જારી કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બાઝપુર સર્કલ ઓફિસર વિભવ સૈનીએ જો કે, આરોપોને સખત રીતે નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે, “આ દાવાઓ પોલીસ પર દબાણ લાવવાનો પ્રયાસ હોય તેવું લાગે છે. પીડબ્લ્યુડી સહાયક ઇજનેર દ્વારા લેખિત ફરિયાદના આધારે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. સત્તાવાર ડિમોલિશન ઝુંબેશ દરમિયાન પોલીસ ફક્ત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હાજર હતી. કોઈપણ સમયે પોલીસે તેમની કાનૂની સત્તાની હદ વટાવી ન હતી. બધી પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું,”. સૈનીએ ઉમેર્યું કે પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે તપાસ હવે બીજા જિલ્લાના અધિકારીઓને ટ્રાન્સફર કરવામાં આવી છે.