(એજન્સી) મૈસુર, તા.૨૭
એક આશ્વર્યજનક ઘટનામાં શુક્રવારની રાત્રે ગટ્ટાવાડી ગામમાં એક દલિત મહિલાનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો, જેના પગલે શનિવારના દિવસે ગામમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. પીડિતાના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, તેના પરિચિત સ્થાનિક રહેવાસી દ્વારા તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું અને તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના કોવલાંદે પોલીસ સ્ટેશનની હદમાંથી નોંધાઈ હતી. ગટ્ટાવાડી ગામ નંજનગુડથી ૨૨ કિ.મી. દૂર આવેલું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ૩૮ વર્ષીય મહિલા સ્થાનિક રહેવાસીના કેળાના બગીચામાં મૃત હાલતમાં મળી આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક વિધવા હતી અને નંજનગુડમાં એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી. તે ગામમાં તેના પિતા સાથે રહેતી હતી. તે સામાન્ય રીતે સવારે ૭ વાગ્યે ઓફિસ માટે નીકળી જતી અને રોજ સાંજે ૮ઃ૩૦ વાગ્યે ઘરે પરત આવતી. શુક્રવારની રાત્રે ૯ વાગ્યા પછી પણ મહિલા ઘરે પરત ન ફરતાં તેના પરિવારજનો ચિંતામાં પડી ગયા હતા અને તેની શોધખોળ શરૂ કરી હતી. મોડી રાત્રે તેનો મૃતદેહ પ્લાન્ટેશનમાંથી મળી આવ્યો હતો. મૃતકના ભાઈ મહાદેવૈયાએ પોતાની ફરિયાદમાં સ્થાનિક રહેવાસી, રિક્ષાચાલકનું નામ આરોપી તરીકે આપ્યું છે.
મહાદેવૈયાએ જણાવ્યું કે, તે દરરોજ તેની રિક્ષામાં મુસાફરી કરતી હતી. શુક્રવારની રાત્રે તે તેને તેની વાડીમાં લઈ ગયો અને તેના પર જાતીય હુમલો કર્યા પછી તેની હત્યા કરી. તેણે તેની ફરિયાદમાં આરોપ મૂક્યો હતો કે, ડ્રાઇવરે દાવો કર્યો હતો કે, મારી બહેનનું કેળાની વાડીમાં આત્મહત્યાથી મૃત્યુ થયું હતું, અહીંની કે.આર. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. ગામમાં તંગદિલીનો માહોલ છે. મૈસુરના એસપી એન. વિષ્ણુવર્ધને કહ્યું કે, આ ઘટનાના સંબંધમાં બળાત્કાર અને હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. અમે વિવિધ પાસાઓથી કેસની તપાસ કરી રહ્યા છીએ. પરિવારે એક વ્યક્તિ પર આરોપ લગાવ્યા છે. અમે તમામ શક્યતાઓ તપાસીશું.