
૧૫ ઓગસ્ટ ૨૦૧૬ સોમવારના રોજ ગુજરાતના ઉનામાં દલિત વિરોધ રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમોએ ભાગ લીધો હતો.
(એજન્સી) તા.૧૬
૧૫ ઓગસ્ટ ૨૦૧૬ સોમવારના રોજ ગુજરાતના ઊનામાં દલિત વિરોધ રેલીમાં હજારો દલિત અને મુસ્લિમોએ એકતાના સૂત્રોચ્ચારો કર્યા હતા. “એક ધક્કા ઔર દો, જાતિવાદ કી હથકડી તોડ દો” અને “દલિત મુસ્લિમ ભાઈ ભાઈ” જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેઓ દેશના ૭૦ મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે ઉનામાં ભેગા થયા હતા અને તેઓ જુલાઈના મધ્યમાં ઉનામાં કહેવાતા ગૌરક્ષકો દ્વારા ચાર દલિત યુવાનોને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો તેનો વિરોધ કરી રહ્યા હતા.
આ પ્રસંગે આત્મહત્યા કરનાર હૈદરાબાદના વિદ્વાન રોહિત વેમૂલાની માતા રાધિકા વેમૂલા, ઊનામાં જે દલિતોને માર મારવામાં આવ્યો હતો તે પૈકીનાં એકના પિતા બાલુભાઈ સરવૈયા દ્વારા સંયુક્ત રીતે ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. જેએનયુના વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમારે પણ હાજરી આપી હતી.
આ રેલીમાં યુવાન દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ મોદીના ગૌરક્ષક નિવેદન અંગે જણાવ્યું હતું કે “મોદીજી એ ગાયની પૂંછડી સાથે ખૂબ જ રમત રમી છે અને હવે આ પૂંછડી તેમની ગરદનની આસપાસનો ફંદો બની ગઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ એક સ્વ આદર માટેનું યુદ્ધ છે અને બાબા સાહેબ આંબેડકરના નામે અમે શપથ લઈએ છીએ કે હવે અમે ગટર કે અન્ય સફાઈકામ કરશું નહીં અને મૃત પશુની ચામડી પણ ઉતારશું નહીં.
મેવાણીએ મોદીના ગુજરાત મોડલ અને હિંદુત્વની વિચારધારા પર સીધો હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે જો હવે ઉના જેવી અત્યાચારની ઘટના બનશે તો તેઓ ગૌરક્ષકોના હાથ પગ તોડી નાખવાની ધમકી પણ આપી હતી.
તેમણે એવીપણ માગણી કરી હતી કે ગુજરાત સરકારે ૩૦ દિવસની અંદર દલિત મુદ્દાઓનો નિકાલ કરવો પડશે અને દલિત સમુદાય માટે જમીન વિતરણ કરવું પડશે જો એવું નહીં થાય તો ‘રેલ રોકો આંદોલન’ શરૂ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે “જો પાટીદાર નેતા તેમના સમુદાય માટે ૯ મહિના જેલમાં જઈ શકે છે તો હું પણ મારા સમુદાય માટે જેલમાં ૨૭ મહિના રહી શકું છું.”
મેવાણીએ જણાવ્યું હતું કે આગામી વિધાનસભા સત્રમાં દલિતો માટે વૈકલ્પિક રોજગાર પર ચર્ચા કરવી જોઈએ. દલિતો હવે મૃત પશુના નિકાલ જેવો પરંપરાગત વ્યવસાય છોડી દેવા માંગે છે. તેમણે એમ પણ કહ્યું કે જો તેમની માંગ ૩૦ દિવસની અંદર પૂરી કરવામાં નહીં આવે તો જમીન માટે દલિતો, મુસ્લિમો અને આદિવાસી સાથે મળીને યુદ્ધ કરશે.
તેમણે આ સંદર્ભમાં (આદિવાસી વન એક્ટ મુજબ) આદિવાસીની જમીન મુદ્દે પણ વિચારણા કરવા માંગ કરી છે.
રોહિત વેમૂલાની માતા અને ઉનાની ઘટનાનો ભોગ બનનારના પિતા પણ હાજર હતા. ઉનામાં ભોગ બનનાર વતી બોલતા બાલુ ભાઈ સરવૈયાએ સમુદાયની એકતા જાળવી રાખવા અને વિભાજનવાદી રાજકારણ સામે સાવચેત રહેવા વિનંતી કરી હતી. જેએનયુના પ્રમુખ કુમારે જણાવ્યું હતું કે અડવાણીની સોમનાથની રથયાત્રા લોકોને વિભાજીત કરવા માટે હતી જ્યારે અમદાવાદથી દલિત અસ્મિતા યાત્રા, એકતા, સ્વ આદર અને ગૌરવ માટે છે. તેમણે ઉમેર્યું કે દેશના લોકોને “ગુજરાતના વિકાસ મોડેલના નામે છેતરવામાં આવ્યા છે “ રોહિત વેમૂલાની માતાએ જણાવ્યું હતું કે તે હજુ પણ રોહિત માટે ન્યાય મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે. તેમણે બાળકોને શિક્ષણ આપવા માટે કહ્યું હતું અને બાબા સાહેબ ભીમ રાવ આંબેડકરને અનુસરવા કહ્યું હતું. તેમણે ખાસ કરીને મુસ્લિમ લોકો જેઓ ગુજરાતના બધા ભાગોમાથી આ કાર્યક્ર્મમાં ભાગ લેવા માટે આવ્યા હતા તેમનો આભાર માન્યો હતો. ગુજરાતનાં હજારો મુસ્લિમો અને ઘણી મુસ્લિમ સંસ્થાઓના પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં આ રેલીમાં હાજરી આપી હતી. આ કાર્યક્ર્મ એક આશાવાદ સાથે પૂરો થયો હતો પરંતુ પરિસ્થિતિ અચાનક જ બગડી હતી જ્યારે રેલી માથી પાછા ફરતા દલિતો પર બીન દલિત જૂથે પત્થરમારો કર્યો હતો અને કેટલાક લોકો પર હુમલો પણ કરવામાં આવ્યો હતો અને કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતા અને ઓછામાં ઓછું એક વાહન સળગાવવામાં આવ્યું હતું. આ હુમલામાં અનેક દલિતો અને ત્રણ પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી. સાક્ષીઓએ આ હુમલામાં પોલીસની સામેલગીરીનો પણ દાવો કર્યો છે.