દલિત વિદ્યાર્થિની પર ‘ગેંગરેપ’ : નાભામાં આવેલી સરકારી રિપુદમન કોલેજ ખાતે ૩૦૦૦ વિદ્યાર્થીઓ માટે માત્ર ૩ ગાર્ડસ

(એજન્સી) તા.૧૪
નાભામાં આશરે ૩૦૦૦ વિદ્યાર્થીઓ માટેની સરકારી રિપુદમન કોલેજ આવેલી છે. આ કોલેજના વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થા માટે માત્ર ત્રણ આઉટસોર્સ ગાર્ડ રાખવામાં આવ્યા હતા. ‘ગેંગરેપ’ થયો તે સમયે કોલેજ મૂકવામાં આવેલા બધા સીસીટીવી કેમેરા કાર્યરત ન હતા.
જો કે, પોલીસે આજે નાભા કોલેજની દલિત વિદ્યાર્થિનીના ‘ગેંગરેપ’માં સામેલ ત્રીજા આરોપી હેરીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમા જણાયું છે કે, કેમ્પસ પૂરતા પ્રમાણમાં સુરક્ષા ન હતી અને બહારના લોકો નિયમિતપણે અવરજવર કરતા હતા. તેમના પ્રવેશને ચકાસવા માટે રક્ષકો લગભગ કંઈ જ કરતા ન હતા. જ્યારે પોલીસે ગુનાના સ્થળનું નિરીક્ષણ કર્યું, ત્યારે તેમણે જોયું કે જ્યાં ઘટના બની હતી ત્યાં સીસીટીવી કેમેરા તો લગાવેલા હતા પરંતુ તે બિન-કાર્યકારી હતાં. કોલેજમાં સીસીટીવી કેમેરાના ફૂટેજમાં તારીખો અને સમય પણ ખોટા હતા. આનાથી પોલીસને તપાસમાં મદદ મળી રહી નથી.
પકડવામાં આવેલા ત્રણેય આરોપીઓએ કબૂલ કર્યું છે કે, તેઓ કોલેજમાં નિયમિત મુલાકાત લેતા હતા અને કેમ્પસ કેન્ટીનથી લઈને કોલેજ પાર્ક સુધી, તેઓએ એવી વાત પણ ફેલાવી દીધી હતી કે, તેઓ કોલેજ સ્ટુડન્ટ્‌સ યુનિયનના સભ્યો છે. નાભા કોતવાલીના એસએચઓ ગુરપ્રીતસિંહ સામરાવે જણાવ્યું હતું કે, ‘કોલેજના ગેટ પર એક મહિલા સહિત બે સુરક્ષા ગાર્ડ હતા. અમારી તપાસ દર્શાવે છે કે, સુરક્ષાના પગલાં પૂરતા ન હતા અને ગાડ્‌ર્સ નિયમિત મુલાકાત લેનારા બહારના લોકોના પ્રવેશને ચકાસવા માટે લગભગ કંઈ જ કરતા ન હતા.
ધ ટ્રિબ્યુન દ્વારા એકત્ર કરાયેલી માહિતીમાં જાણવા મળ્યું કે, કોલેજે તેની સુરક્ષા એક ખાનગી એજન્સીને આઉટસોર્સ કરી હતી અને કોન્ટ્રાક્ટ ૩૧ માર્ચે પૂરો થવાનો હતો. કોલેજના એક અધિકારીએ કહ્યું કે, ‘૨૭ માર્ચ ગુનાના દિવસે માત્ર આરોપીઓ જ નહીં, પરંતુ અન્ય ઘણા બહારના લોકો પણ કોલેજ કેમ્પસમાં આવ્યા હતા.’ પોલીસ વિભાગના અંદરના સૂત્રોએ પુષ્ટિ કરી કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ઘણા બહારના લોકો કોલેજમાં નિયમિત મુલાકાત લેતા હતા, જેના કારણે તેઓ સફાઈ કામદારો અને કેન્ટીન કર્મચારીઓને નામથી ઓળખતા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, ‘ત્રણેય આરોપીઓએ ખુલાસો કર્યો છે કે, તેઓ કોલેજ કેમ્પસમાં નિયમિત મુલાકાત લેતા હતા અને કેમ્પસમાં બેસવાનો તેમનો નિત્યક્રમ હતો. કેન્ટીનથી લઈને કોલેજના પાર્ક સુધી, તેઓએ એવી વાત પણ ફેલાવી હતી કે, તેઓ કોલેજના વિદ્યાર્થી સંઘના સભ્યો છે.’ રાષ્ટ્રીય માનવાધિકાર પંચે આ ઘટનાનો વિગતવાર અહેવાલ માંગ્યો છે. ૭ એપ્રિલના રોજ છોકરીએ તેના માતાપિતાને જાણ કરવા હિંમત બતાવી અને ૮ એપ્રિલે પીડિતાની ફરિયાદને પગલે ૯ એપ્રિલના રોજ એફઆઈઆર નોંધવામાં આવી હતી. FIR માં લખાવ્યા મુજબ, ‘ત્રણ આરોપીઓએ મારા પર વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો અને ધમકી આપી હતી કે, જો આ ઘટના વિશે હું કંઈપણ જાહેર કરીશ તો તે ફરીથી મારા પર બળાત્કાર કરશે અને મને જાનથી મારી નાખશે.’FIR મુજબ, પીડિતા જણાવે છે કે, ‘દવિન્દરસિંહે તેને બિલ્ડિંગના પહેલા માળે પ્રિન્સિપાલના રૂમમાં આવવા માટે કહ્યું હતું, જ્યાં તે વાત કરવા માંગતો હતો. બપોરે ૧ વાગ્યાની આસપાસ જ્યારે હું રૂમમાં ગઈ ત્યારે આરોપીએ અન્ય બે સાથે મળીને મારી સાથે બળાત્કાર કર્યો.’
હાલ દવિન્દર, રવનીતસિંહ અને હેરી પોલીસ કસ્ટડીમાં છે. પટિયાલાના એસએસપી વરૂણ શર્માએ જણાવ્યું હતું કે, ‘હું વ્યક્તિગત રીતે કેસ પર નજર રાખી રહ્યો છું અને અમે તમામ પુરાવા એકઠા કરીશું. ત્રીજા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. અમે પીડિતાને ન્યાય અપાવીશું અને કોઈની પણ બેદરકારીની ચલાવી લઇશું નહીં.’
જ્યારે સંવાદદાતાએ સરકારી રિપુદમન કોલેજના પ્રિન્સિપાલ, હરતેજ કૌરને ફોન કર્યો, ત્યારે તેમણે કહ્યું કે, તે ડ્રાઇવિંગ કરી રહી છે અને ટૂંક સમયમાં પરત ફોન કરશે પણ તેમણે ફરીથી ફોન કર્યો નહીં.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts