(એજન્સી) તા.૧૨
મુઝફ્ફરનગરના ફુગાનામાં એક દલિત વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો. આરોપ છે કે ધોરણ ૧૧ના વિદ્યાર્થી રુદ્રાક્ષ પર શાળાની બહાર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના ૭ ઓક્ટોબરે બની હતી, પરંતુ ચાર દિવસ વીતી ગયા પછી પણ આ મામલે કોઈ FIR નોંધવામાં આવી નથી. રૂદ્રાક્ષ ખરારની કિસાન ઇન્ટર કોલેજમાં અભ્યાસ કરે છે. તેણે જણાવ્યું હતું કે શાળાના ચાર વિદ્યાર્થીઓ તેને વારંવાર હેરાન કરતા હતા અને જાતિસૂચક અપશબ્દોનો પ્રયોગ કરતા હતા. જ્યારે તેણે શિક્ષકને આ અંગે ફરિયાદ કરી, ત્યારે આરોપી વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. ૭ ઓક્ટોબરે શાળા છૂટ્યા બાદ, ચહેરા ઢાંકેલા ચાર વિદ્યાર્થીઓએ શાળાના ગેટની બહાર લાકડીઓ અને સળિયા વડે તેના પર હુમલો કર્યો. રૂદ્રાક્ષના માથામાં ઈજા થઈ અને તે બેભાન થઈ ગયો. તેને પહેલા CHC બુઢાના અને ત્યારબાદ જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પીડિતના પરિવારનો આરોપ છે કે ફુગાના પોલીસ સ્ટેશનમાં તેમની વાત સાંભળવામાં આવી ન હતી. હવે પરિવારે ન્યાય માટે નવા SSP સૂરજ રાયને અપીલ કરી છે. ખરાર પોલીસ ચોકીના ઈન્ચાર્જ અભિષેક ચૌધરીએ જણાવ્યું હતું કે ઝઘડામાં સામેલ તમામ બાળકો સગીર છે; તેમના વાલીઓને બોલાવવામાં આવી રહ્યા છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.