અમદાવાદ, તા.૨૪
પોતાની વિદ્ધતા અને સીમાચિહ્નરૂપ ચૂકદાઓ માટે જાણીતા ભારતના ટોચના ન્યાયવિદ એવા પૂર્વ ચીફ જસ્ટિસ એ.એમ.અહમદીએ અગાઉ પણ બહુ સ્પષ્ટરીતે જણાવ્યું હતું કે, દેશમાં કોમી ધ્રુવીકરણથી કોઈનો ભલીવાર વળવાનો નથી. તેમણે કહ્યું હતું કે, દેશમાં અસહિષ્ણુતા અને ભયનો માહોલ છે. છેક ૧૯૯૨માં અયોધ્યા ખાતે બાબરી મસ્જિદ શહીદ થઈ ત્યારથી આ પ્રકારનો માહોલ ક્યાંકને ક્યાંક ચાલતો આવ્યો છે. ભારતના પૂર્વ ચીફ જસ્ટિસે વધુમાં સહિષ્ણુતાનું વાતાવરણ સર્જી રહેલા જમણેરી તત્ત્વો વિરૂધ્ધ કોઈ યોગ્ય પગલાં ન લેવા બદલ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. જસ્ટિસ અહમદીએ દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા અંગે. લાગણીશીલ બનેલા વડાપ્રધાનની ૨૦૦૨ના ગુજરાતના રમખાણોમાં માર્યા ગયેલા પ્રત્યે કોઈ સંવેદના વ્યકત ન કરવા બદલ ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેમનું (મોદીનું) હૃદય આત્મહત્યા કરનાર દલિત વિદ્યાર્થી માટે પીગળ્યું એ આવકાર્ય છે પરંતુ તેમણે આવી ભાવવાહી લાગણી કદાપી ૨૦૦૨ના ગુજરાતના રમખાણોમાં દર્શાવી ન હતી.