(એજન્સી) તા.૧૩
ઝારખંડના પલામુ જિલ્લામાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના એક ધારાસભ્ય નદી પાર કરવા માટે એક વ્યક્તિના ખભા પર સવાર થયા હોવાનો વીડિયો સામે આવતા રાજકીય અને સામાજિક વિવાદ સર્જાયો છે. ધારાસભ્યને પોતાની પીઠ પર ઉઠાવનાર વ્યક્તિ દલિત સમુદાયનો હોવાનું જાણવા મળ્યું છે. વીડિયોમાં જોવા મળે છે કે નદી પાર કરતી વખતે તે વ્યક્તિનું સંતુલન બગડે છે અને તે નદીમાં પડી જાય છે, જ્યારે ધારાસભ્ય નરેશ પ્રસાદ સિંહ ડગમગતી હાલતમાં પણ પોતાના પગ પર ઊભા રહેવામાં સફળ રહે છે. આ વિવાદ ત્યારે વધુ ઘેરો બન્યો જ્યારે એવા અહેવાલો સામે આવ્યા કે ત્રીજી એક વ્યક્તિ, જે કથિત રીતે OBC સમુદાયની છે, તે નદી પાર કરતી વખતે ધારાસભ્યના પગરખાં (ચંપલ/બૂટ) ઉઠાવીને ચાલી રહી હતી. બિશરામપુર વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા સિંહ સોમવારે એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગામમાં જઇ રહ્યા હતા. ત્યાં પહોંચવા માટે તેમણે એક નદી પાર કરવાની હતી. પાણી ઘૂંટણ સુધી જ હોવા છતાં ધારાસભ્યે નદી પાર કરવા માટે દલિત વ્યક્તિની પીઠ પર સવાર થવાનું પસંદ કર્યું. જો કે, નદી પાર કરતી વખતે તે વ્યક્તિનું સંતુલન બગડી ગયું, જેના કારણે તે અને ધારાસભ્ય સિંહ બંને પાણીમાં પડી ગયા. કોઇને ગંભીર ઇજા થઇ નથી પરંતુ આ ઘટનાના વીડિયોએ માત્ર ધારાસભ્યની ‘અધિકારભાવના’ entitlement) તરફ જ નહીં પરંતુ ફૂટેજમાં દેખાતા સામાજિક સમીકરણો તરફ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સ્થાનિક પંચાયત પ્રમુખ અંજુ દેવીએ સિંહના વર્તનની ટીકા કરતા કહ્યું કે, નદી પાર કરવા માટે દલિત વ્યક્તિના ખભાનો સહારો લેવો એ તેમની માનસિકતા દર્શાવે છે. તેમણે એ પણ જણાવ્યું કે, ગ્રામજનો લાંબા સમયથી નદી પર પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે અને આ માટે વિરોધ પ્રદર્શનો પણ કર્યા છે પરંતુ તેમની માંગ પૂરી કરવા માટે કોઇ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. BSP નેતા રાહુલ દુબેએ પણ ધારાસભ્યના વર્તન પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સામાન્ય લોકોની મુશ્કેલીઓ સમજવી જોઇએ, ખાસ કરીને એવા લોકોની જેમને તબીબી સારવાર મેળવવા માટે મુસાફરી કરવામાં પણ સંઘર્ષ કરવો પડે છે. ભાજપના પાલામુ જિલ્લા પ્રમુખ અમિત તિવારીએ પણ આ ઘટનાને લઇને ઝારખંડમાં ત્નસ્સ્ના નેતૃત્વવાળી ગઠબંધન સરકારની ટીકા કરી હતી, જેમાં RJD પણ એક ઘટક પક્ષ છે.