કર્ણાટકના મંત્રી પ્રિયંક ખડગે અને કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામી વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે સંકળાયેલા એક કથિત ‘સ્ટિંગ વીડિયો’ને લઈને શાબ્દિક યુદ્ધ છેડાયું છે
(એજન્સી) તા.૧૯
રવિવાર, ૧૮ ઓક્ટોબરના રોજ કર્ણાટકના ગૃહમંત્રી પ્રિયંક ખડગેએ કેન્દ્રીય મંત્રી અને જનતા દળ (સેક્યુલર)ના નેતા એચ.ડી. કુમારસ્વામી પર આરોપ લગાવ્યો કે તેઓ દલિતોની રાજકીય અને સામાજિક પ્રગતિથી નારાજ છે. પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે જોડાયેલા એક કથિત ‘સ્ટિંગ વીડિયો’ને લઈને આ બંને નેતાઓ વચ્ચે શાબ્દિક ટકરાવ ચાલી રહ્યો છે. કલબુર્ગીમાં એક પત્રકાર પરિષદ દરમિયાન ખડગેએ કહ્યું, “જો મારૂં સૂટ પહેરવું કુમારસ્વામીને ખટકતું હોય, તો હું ૧૦ સૂટ સીવડાવીને પહેરીશ. જો મારૂં અંગ્રેજી બોલવું તેમને સહન ન થતું હોય, તો પણ હું અંગ્રેજી બોલવાનું ચાલુ રાખીશ.” તેમણે આરોપ લગાવ્યો કે કુમારસ્વામી કોઈ દલિત વ્યક્તિ રાજકીય પ્રગતિ કરે તે સહન કરી શકતા નથી. એક કથિત વીડિયોને લઈને વિવાદ સર્જાયો છે, જે ૨૦૨૩માં રેકોર્ડ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે અને તાજેતરમાં સ્થાનિક ટેલિવિઝન ચેનલો પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ કથિત સ્ટિંગમાં સિદ્ધારમૈયાનું નામ બ્લેકમેલિંગ અને ‘હની-ટ્રેપ’ નેટવર્ક સાથે જોડવામાં આવ્યું છે. કુમારસ્વામીએ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર પર આરોપ લગાવ્યો છે કે તેમણે સિદ્ધારમૈયાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા અને તેમને પદ પરથી હટાવવા માટે આ કથિત સ્ટિંગનું કાવતરૂં રચ્યું છે. શિવકુમારે આ આરોપને નકારી કાઢ્યો છે અને કોંગ્રેસે પણ તેને ફગાવી દીધો છે. કુમારસ્વામીએ આ મામલે સ્વતંત્ર તપાસની માંગ કરી છે, સાથે જ તેમણે પોલીસ પર આરોપ લગાવ્યો છે કે વીડિયો ફેલાવવાના મામલે પોલીસ જાણીજોઈને જેડી(એસ)ના કાર્યકરોને નિશાન બનાવી રહી છે. જોકે, ખડગેએ કહ્યું કે પોલીસે તપાસ અટકાવવી જોઈએ નહીં, ભલે પૂછપરછ હેઠળના કેટલાક લોકો જેડી(એસ)ના સભ્યો હોય. તેમણે સવાલ કર્યો, “શું પોલીસે માત્ર એટલા માટે નોટિસ આપવાનું કે શંકાસ્પદ વ્યક્તિઓને પૂછપરછ માટે બોલાવવાનું બંધ કરી દેવું જોઈએ કે તેઓ જેડી(એસ)ના કાર્યકરો છે ?” તેમણે કુમારસ્વામી પર નિશાન સાધતા કહ્યું કે તેઓ તપાસની માંગ તો કરે છે, પરંતુ જ્યારે તપાસમાં તેમના પક્ષના કાર્યકરોનું નામ આવે છે ત્યારે તેઓ વાંધો ઉઠાવે છે. કુમારસ્વામીએ ખડગેને પડકાર ફેંક્યો હતો કે તેઓ જેડી(એસ)ના કાર્યકરોને અટકાયતમાં લેવાને બદલે સીધા તેમને જ બોલાવે (સમન્સ પાઠવે). તેમણે કહ્યું, “જો તમે ગૃહમંત્રી છો, તો ગૃહમંત્રીની જેમ કામ કરો. જો તમારી પાસે હિંમત હોય, તો મને નોટિસ મોકલો.” ખડગેએ કુમારસ્વામીના તેમના અને તેમના પિતા, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના અનુસૂચિત જાતિ માટે અનામત મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા સામેના વાંધોનો પણ જવાબ આપ્યો. તેમણે પ્રશ્ન કર્યો કે શું સમાજ સામાન્ય મતવિસ્તારમાંથી દલિત ઉમેદવારોને ચૂંટવા માટે તૈયાર છે. કુમારસ્વામીની ટિપ્પણીને કારણે ૧૭ ઓક્ટોબરના રોજ માંડ્યામાં વિરોધ પ્રદર્શન થયું, જ્યાં કોંગ્રેસના કાર્યકરો અને દલિત અને પ્રગતિશીલ સંગઠનોએ જૂના બેંગલુરુ-મૈસુર હાઇવેને અવરોધિત કર્યો અને માનવ સાંકળ બનાવી. પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય મંત્રી પર દલિત નેતા પર વ્યક્તિગત હુમલા કરવાનો આરોપ લગાવ્યો અને જો ટિપ્પણી ચાલુ રહી તો રાજ્યવ્યાપી પ્રદર્શનોની ચેતવણી આપી.