વિધાનસભામાં શૂન્ય કલાક દરમિયાન ભારત આદિવાસી પાર્ટીના ધારિયાવાડના ધારાસભ્ય થાવરચંદે તાજેતરમાં શિક્ષક શંકરલાલ મેઘવાલની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો
(એજન્સી) જયપુર, તા.૨
દલિત શિક્ષક શંકરલાલ મેઘવાલની હત્યાના મામલામાં સોમવારે વિધાનસભામાં ભારે હોબાળો અને હંગામો થયો હતો. વિપક્ષે શંકરલાલ માટે ન્યાયની માંગણી કરી અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા, જેના કારણે વિધાનસભાની કાર્યવાહી ત્રણ વખત સ્થગિત કરવી પડી હતી. વિપક્ષ આ મામલે સરકાર પાસેથી નિવેદનની માંગ કરી રહ્યો છે. વિધાનસભામાં શૂન્ય કલાક દરમિયાન ભારત આદિવાસી પાર્ટીના ધારિયાવાડ ધારાસભ્ય થાવરચંદે તાજેતરમાં શિક્ષક શંકરલાલ મેઘવાલની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ધારાસભ્યએ આ મામલામાં સરકાર પર આરોપ લગાવ્યો કે કન્હૈયાલાલ ટેલરની હત્યા માટે એક કરોડનું વળતર આપવામાં આવ્યું હતું. જ્યારે દલિતની હત્યા માટે માત્ર ૩૧ લાખનું વળતર આપવામાં આવ્યું છે. આ ભેદભાવ સ્વીકાર્ય નથી. દેશમાં બે કાયદા નથી, તો પછી આ ભેદભાવ શા માટે ? આ ઉપરાંત ધારિયાવાડમાં ત્રણ દિવસ પહેલા એક પરિવારની હત્યા થઈ હતી, જેમાં નેતાઓે તેના આરોપીઓને સજા કરવાની માંગ કરી હતી.
દરમિયાન પિલાનીના ધારાસભ્ય પીતરામ કલાએ કહ્યું કે દલિતો સાથે આ પ્રકારની હત્યાઓ પાછળ સામાજિક કારણો છે. સલુંભરના દલિત શિક્ષકની હત્યા કરવામાં આવી હતી કારણ કે તેમણે પોતાનું ઘર એક અગ્રણી જગ્યાએ બનાવ્યું હતું. આ પછી ધારાસભ્યએ દલિતોની હત્યા સાથે જોડાયેલા મામલા પર પણ વાત કરી હતી. તેમણે સીકર, બિકાનેર, શેરગઢ અને અન્ય સ્થળોએ થયેલી હત્યાઓમાં દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી અને તેમના પરિવારને એક કરોડના વળતર આપવાની માંગ કરી હતી. આ પછી ગૃહમાં હંગામો શરૂ થયો. વિપક્ષના નેતાએ કહ્યું કે દલિત હત્યા પર સરકાર જવાબ આપી રહી નથી. આ પછી વિપક્ષના સભ્યો પણ તેમની સાથે સંમત થયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.
આ દરમિયાન સંસદીય કાર્ય મંત્રી જોગારામ પટેલે કહ્યું કે જેઓ દલિતો પર અત્યાચાર કરે છે તેમને હું જવાબ આપીશ. દલિતો પર અત્યાચાર કરનાર આ કોંગ્રેસ માત્ર મગરના આંસુ વહાવી રહી છે. તેમનું એક જ લક્ષ્ય છે કે વિધાનસભાની કાર્યવાહી ન થાય. તેમના શાસન દરમિયાન દલિતો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે સરકાર હત્યાની સંપૂર્ણ તપાસ કરશે અને એક-બે દિવસમાં ગૃહમાં જવાબ આપશે. આ પછી પણ વિપક્ષના નેતાઓ શાંત ન થયા, તેમણે સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યો હતો.
વિધાનસભામાં હંગામા અને હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી ત્રણ વખત સ્થગિત કરવી પડી હતી. જ્યારે ૩.૦૬ વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે વિપક્ષે ફરીથી સૂત્રોચ્ચાર કર્યા હતા. અધ્યક્ષસ્થાને આવેલા સ્પીકર વાસુદેવ દેવનાનીએ વિપક્ષી સભ્યોને તેમની બેઠક પર જવા વિનંતી કરી અને વ્યવસ્થા કરી કે આવતીકાલે શૂન્યકાળ પછી મંત્રી આ અંગે જવાબ આપશે. જે બાદ મામલો શાંત પડ્યો હતો.