દલિત સગીરાને આત્મહત્યા કરવા મજબૂર કરનાર ડિંડિગુલના વ્યક્તિને આજીવન કેદની સજા

તે સમયે ૧૭ વર્ષની યુવરાની, તેની વિધવા માતા ચિત્રા અને ૧૫ વર્ષની બહેન સાથે ૨૦૨૦માં વિલ્લુપુરમ જિલ્લામાંથી વેદાસંદુર આવી હતી

 

(એજન્સી) મદુરાઈ, તા.૭
ડિંડિગુલની એક વિશેષ અદાલતે બુધવારે ૩૯ વર્ષીય સવર્ણ હિન્દુ પુરૂષને આજીવન કેદની સજા ફટકારી છે. તેણે ૨૦૨૦માં અનુસૂચિત જાતિની એક સગીરાને જાતિસૂચક અપશબ્દો કહીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી હતી. તે સમયે ૧૭ વર્ષની યુવરાની, તેની વિધવા માતા ચિત્રા અને ૧૫ વર્ષની બહેન સાથે ૨૦૨૦માં વિલ્લુપુરમ જિલ્લામાંથી વેદાસંદુર આવી હતી. ત્રણેયે એક ગારમેન્ટ મિલમાં કામ મેળવ્યું અને ડિંડિગુલના વેદાસંદુર તાલુકાના નાગાપટ્ટી ગામમાં એક રો-હાઉસ (હરોળમાં બનેલા મકાનો) સંકુલમાં નાનકડો ઓરડો ભાડે રાખ્યો. દોષિત ઠરેલો બી. રાજકુમાર અને તેની પત્ની અરૂલ સેલ્વી આ પરિવારની બાજુમાં જ રહેતા હતા. સરકારી પક્ષના જણાવ્યા અનુસાર, રો-હાઉસ સંકુલની સાંકડી ગલીમાંથી ઘરોનું ગંદું પાણી વહી જતું હતું, જેના માટે ત્યાં એક નાની ખુલ્લી ગટર જેવી વ્યવસ્થા હતી. જ્યારે પણ કોઈ ઘરમાં વાસણ કે કપડાં ધોવામાં આવતા, ત્યારે ગલીમાં થોડું પાણી ભરાઈ રહેતું હતું. પીડિત પરિવાર અનુસૂચિત જાતિનો હોવાથી, જ્યારે રાજકુમારનો પગ તેમના ઘર તરફથી આવતા ગંદા પાણી પર પડ્યો, ત્યારે તે ખૂબ ગુસ્સે થઈ ગયો અને તેને લાગ્યું કે તે ‘અપવિત્ર’ થઈ ગયો છે. પોલીસે જણાવ્યું કે, “તે પરિવારને જાતિસૂચક અપશબ્દો આપતો હતો અને કહેતો હતો કે તેમના ઘરની સામે જમા થયેલા ગંદા અને સાબુવાળા પાણી પર પગ પડવાથી તે અપવિત્ર થઈ ગયો છે.” પોલીસે નોંધ્યું કે તેની પત્ની અરૂલ સેલ્વી પણ તે પરિવારને જાતિસૂચક અપશબ્દો કહેતી હતી. રાજકુમાર મોટાભાગે સાંજના સમયે દારૂ પીને ઘરે આવતો ત્યારે અપશબ્દો બોલવાનું શરૂ કરતો હતો. આખરે ચિત્રાએ વેદાસંદુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ત્યારબાદ નાગાપટ્ટી ગામના વડીલો તેમને પોલીસ સ્ટેશન લઈ ગયા અને પોલીસને ખાતરી આપી કે હવે આવું ફરી ક્યારેય નહીં થાય, જેના પગલે બંને પરિવારો વચ્ચે સમાધાન થયું હતું. પોલીસે ‘કોમ્યુનિટી સર્વિસ રજિસ્ટર’ (CSR) હેઠળ નોંધ કરી રાજકુમાર અને તેની પત્નીને ચેતવણી આપી હતી. જોકે, એક અઠવાડિયાની અંદર જ, ૨૬ મે ૨૦૨૦ના રોજ, રાજકુમારે ફરીથી ચિત્રાના પરિવાર સાથે ઝઘડો કર્યો અને કલાકો સુધી તેમને જાતિસૂચક અપશબ્દો કહ્યા. તે દિવસે તાવ હોવાને કારણે યુવરાની તેની માતા અને બહેન સાથે મિલ પર ગઈ ન હતી. રાજકુમાર અને તેની પત્ની દ્વારા વારંવાર કરવામાં આવતા જાતિસૂચક અપમાનોને કારણે થયેલી માનસિક પીડા સહન ન થતાં, તેણે તે રાત્રે જીવન ટૂંકાવી દીધું, તેમ સરકારી પક્ષે કોર્ટને જણાવ્યું હતું. વેદાસંદુર પોલીસે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ ૩૦૬ (આત્મહત્યા માટે દુષ્પ્રેરણ) અને ‘અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ’ હેઠળ કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી. કેસની પ્રગતિની સમીક્ષા કરનાર ડિંડિગુલના પોલીસ અધિક્ષક એસ. જયકુમારે તપાસ અધિકારીને તપાસ ઝડપી બનાવવા અને દસ્તાવેજો તથા સાક્ષીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો. સરકારી પક્ષે કેસ સાબિત કર્યા બાદ, વિશેષ અદાલતે રાજકુમારને ૈંઁઝ્રની કલમ ૩૦૬ (આત્મહત્યા માટે દુષ્પ્રેરણ) અને ‘અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ’ની વિવિધ કલમો હેઠળ આજીવન કેદની સજા, વધારાની બે વર્ષની કેદ અને ૧૨,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ટ્રાયલ (મુદ્દત) દરમિયાન અરૂલ સેલ્વીનું બીમારીને કારણે અવસાન થયું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks