સામા પક્ષે ૧૧ સહિત ૩૦ દલિત લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
(સંવાદદાતા દ્વારા)
અમરેલી, તા.ર૭
અમરેલીના મોટા આંકડિયા ગામે અનુસૂચિત જાતિના ખેડૂતોને ફાળવવામાં આવેલી જમીનમાં કથિત ગેરકાયદે ખનનના વિરોધ દરમિયાન દલિત સમાજના આગેવાનો અને દલિત ખેડૂતો પર હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે.
આ મામલે ચિતલના સામાજિક કાર્યકર નરેશભાઈ ભીખાભાઈ વાળાની ફરિયાદના આધારે ૧૧ નામજોગ આરોપીઓ તેમજ આશરે ૪૦થી ૫૦ લોકોના ટોળા સામે પોલીસમાં ગુનો નોંધાયો છે.ફરિયાદ મુજબ મોટા આંકડિયા ગામે સર્વે નં.૩ની આશરે ૭૯ હેક્ટર જેટલી ખેતીલાયક જમીન ૯૦ વર્ષના પટ્ટે મોટા આંકડિયા અનુસૂચિત જાતિ ખેતી સહકારી સામુદાયિક મંડળીને ફાળવવામાં આવી છે. ઉપરાંત ગામના અનુસૂચિત જાતિના ૨૧ લાભાર્થીઓને પણ સરકાર દ્વારા એક વર્ષ અને પાંચ વર્ષના પટ્ટે જમીન ખેતી માટે આપવામાં આવી હોવાનું જણાવાયું છે.ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ જમીનની ફાળવણી કેટલાક લોકોને ગમતી ન હોવાથી તેમણે કથિત ષડયંત્રના ભાગરૂપે નાની સિંચાઈ પેટા વિભાગ, અમરેલી પાસેથી સર્વે નંબર તથા ચોક્કસ ક્ષેત્રફળના ઉલ્લેખ વગરનો બોગસ આદેશ મેળવ્યો હતો. આ આદેશના આધારે તા. ૧૭ મે, ૨૦૨૬થી અનુસૂચિત જાતિના ખેડૂતો વર્ષોથી ખેતી કરતા હોય તેવી જમીનમાંથી ગેરકાયદેસર રીતે માટી અને ખનીજનું ખનન શરૂ કરવામાં આવ્યું હતું.આ બાબતે ફરિયાદી તેમજ અન્ય આગેવાનોએ સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી. ત્યારબાદ સરકારી અધિકારીઓ સાથે કથિત ગેરકાયદે ખનન અટકાવવા સ્થળ પર પહોંચતા આરોપીઓએ વોટ્સએપના માધ્યમથી પોતાના સમર્થકોને બનાવ સ્થળે એકત્ર કર્યા હતા. ફરિયાદ અનુસાર આશરે ૪૦થી ૫૦ લોકોનું ટોળું લાકડીઓ, લોખંડના પાઈપો, છરી સહિતના હથિયારો સાથે એકત્ર થયું હતું.ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીઓએ ટોળાને ઉશ્કેરી દલિત સમાજના આગેવાનો તેમજ મોટા આંકડિયા ગામના અનુસૂચિત જાતિના લોકો પર હુમલો કરાવ્યો હતો. હુમલા દરમિયાન આરોપી રમેશભાઈ બાવીસીએ ફરિયાદીને મારી નાખવાના ઇરાદે માથાના ભાગે છરીનો ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.વધુમાં અન્ય અનુસૂચિત જાતિના લોકોને દોડાવી-દોડાવીને માર મારવામાં આવ્યો હતો. હુમલાખોરોએ લાકડીઓ અને લોખંડના પાઈપ વડે મારકૂટ કરી તેમજ જ્ઞાતિ આધારિત અપમાનજનક વર્તન કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાનું પણ ફરિયાદમાં નોંધાયું છે. આ બનાવ અંગે પોલીસે ઘનશ્યામભાઈ ઠુમ્મર, રાજુભાઈ બાવીસી સહિતના આરોપીઓ તેમજ અન્ય અજાણ્યા ૪૦થી ૫૦ લોકો સામે એટ્રોસીટી એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સામી ફરિયાદમાં ૧૧ દલિત શખ્શો સહિત ૩૦ જણા ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે ભરતભાઈ જયસુખભાઈ બાવીસી એ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાવેલ સામી ફરિયાદમાં લખાવ્યા અનુસાર ભરતભાઈ મોટા આકડીયા ગામના તળાવ માંથી કાયદેસરની મંજુરી મેળવી માટી ભરતા હતા. આ કામના આરોપીઓને સારૂ નહીં લાગતા એક સંપ કરી ફરીના વાહનની ચાવી લઇ વાહનો બે દિવસ રાખી રૂપિયા પચાસ હજારની માંગણી કરી ફરી તથા સાહેદોને ગાળો આપી હાથમાં પહેરવાનું મુઠ તથા ધોકા જેવા હથિયારો સાથે ટોળુ ભેગુ કરી તે ટોળાને આરોપીઓએ ઉશ્કેરી ફરીને શરીરે માર મારી મુંઢ ઇજા કરી તેમજ ફેકચર જેવી ઇજા કરી ભરતભાઈના શર્ટના ખીસ્સામાંથી રૂપિયા ચાર હજારની લુંટ કરી સાહેદોને છુટા પથ્થરોના ઘા કરી માથાના ભાગે ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા (૧) નરેશભાઈ વાળા(૨) કનુભાઈ પરમાર(૩) વીકીભાઇ ચાવડા સહિત ૧૧ આરોપી અને અજાણ્યા આશરે ત્રીસ માણસોનુ ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી.