(એજન્સી)નવી દિલ્હી, તા.૪
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે કહ્યું છે કે દિલ્હી રમખાણોમાં કથિત ભૂમિકા અંગે આમ આદમી પાર્ટીના કાઉન્સિલર તાહિર હુસેનનું કબૂલાતનામું નોંધાયેલ નથી. પોલીસે એક આરટીઆઈના જવાબમાં આ વાતનો ખુલાસો કર્યો છે. આરટીઆઈ યુનિફાઇડ પીપલ્સ મૂવમેન્ટના અધ્યક્ષ નીલિમ દત્તાએ ફાઇલ કરી હતી.
આરટીઆઈના જવાબમાં ડીસીપી (ક્રાઇમ) અને જાહેર માહિતી અધિકારી જ્યોતિર્કિને કહ્યું, કે “સીઆરપીસીની કલમ ૧૬૪ હેઠળ નિવેદન નોંધવામાં આવ્યું નથી.” સીઆરપીસીની કલમ ૧૬૪ કોર્ટમાં તપાસ અથવા સુનાવણીની શરૂઆત પહેલાં કોઈપણ સમયે કબૂલાત અથવા કબૂલાતના રેકોર્ડિંગ સાથે સંબંધિત છે. આ કલમ હેઠળ અદાલતમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ આપવામાં આવેલું નિવેદન જ માન્ય છે. આ સિવાય પોલીસને અપાયેલ નિવેદન કોર્ટમાં માન્ય નથી.
જોકે આરટીઆઈ અરજીમાં તોફાનોના તમામ કેસો પૂછવામાં આવ્યાં હતાં, પોલીસે તેમના જવાબમાં ફક્ત એફઆઈઆર ૬૫નો ઉલ્લેખ કર્યો છે. આ એફઆઈઆર ગુપ્તચર બ્યુરોના અધિકારી અંકિત શર્માની હત્યાથી સંબંધિત છે.
પોલીસનો જવાબ તે સમાચારોની વિરુદ્ધ છે જે મીડિયા દ્વારા ઝી ન્યૂઝ, ધ પ્રિન્ટ, એએનઆઈ જેવી ન્યુઝ સર્વિસો દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે તાહિર હુસેને દિલ્હીના રમખાણોમાં સામેલ હોવાની કબૂલાત આપી છે. એક સમાચારમાં, એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે હુસેને કહ્યું હતું, ‘હું હિન્દુઓને પાઠ ભણાવવા માંગતો હતો’.