(એજન્સી) તા.ર૧
બીજેપીના વરિષ્ઠ નેતા સુરજપાલ અમ્મુએ ફિલ્મ પદ્માવતીના ડાયરેકટર સંજયલીલા ભણસાલી અને ફિલ્મની મુખ્ય અભિનેત્રી દીપિકા પાદૂકોણનું માથું કાપી લાવનારને ૧૦ કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કર્યા બાદ હવે આ રાજકારણીએ પોતાની ધમકીમાં નવો સૂર પુરાવ્યો છે. જો ભણસાલીનું માથું વાઢી લાવનાર સામે કાર્યવાહી કરવામાં આવે તો સાથે ફિલ્મના નિર્માતા સામે પણ કાર્યવાહી થવી જોઈએ કેમ કે એમણે લોકોની ભાવના સાથે રમત રમ્યા છે. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંઘ રાવતે પણ આ ફિલ્મ વિરૂદ્ધ નારાજગી પ્રદર્શિત કરતા રાજપૂતોની આપત્તિઓને સમર્થન આપ્યું છે. કેટલાય કેન્દ્રીય મંત્રીઓએ ભણસાલીને જણાવ્યું કે, તેમણે ફિલ્મના વિરોધ પ્રદર્શનકારીઓ અને કરની સેના સહિત ઐતિહાસિક પાત્રો વિશેના તેમના મંતવ્યો સાંભળવા જોઈએ. ફિલ્મને પ્રમાણપત્ર આપનાર સેન્સર બોર્ડે હજુ સુધી આ ફિલ્મ અંગે કોઈ નિર્ણય લીધો નથી. સુપ્રીમકોર્ટે પણ પદ્માવતી પર પ્રતિબંધ મૂકવાને વિનંતી બે વાર ફગાવી દીધી છે અને કહ્યું કે જ્યાં સુધી સેન્સર બોર્ડ નિર્ણય કરે ત્યાં સુધી તે આ ફિલ્મમાં હસ્તક્ષેપ કરી શકશે નહીં.