વડોદરા, તા.૧ર
શહેરના ઈલોર પાર્ક વિસ્તારમાં આવેલું અમુલ એપાર્ટમેનટ જર્જરિત થઈ જતાં પાલિકાએ તેને ઉતારી લેવાની નોટિસ આપી હતી. નોટિસનો સમય પુરો થઈ જવા છતાંય દુકાનો ખાલી નહીં થતાં આજે પાલિકાની દબાણ ટીમ દબાણો હટાવવા પહોંચી હતી. જ્યાં સ્થાનિકોએ પોલીસ અધિકારી પર હુમલો કર્યો હતો. બીજી તરફ ઉશ્કેરાયેલા લોકોથી બચવા માટે પાલિકાની ટીમ સાથે આવેલા પીએસઆઈએ પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી લોકો સામે તાકી દીધી હતી. જેના પગલે એક તબક્કે ભયનો માહોલ ફેલાયો હતો. શહેરના ઈલોરાપાર્ક સુભાનપુરા મેઈન રોડ પર આવેલું અમુલ એપાર્ટમેન્ટ જર્જરિત થઈ જતાં આગળનો ભાગ નમી ગયો હતો. જેના પગલે એક વર્ષ પૂર્વે પાલિકાના નિર્ભય શાખા દ્વારા એપાર્ટમેન્ટ ઉતારી લેવા માટે નોટિસ ફટકારી હતી. પાલિકાની ટીમે ઉપરના ત્રણ માળ ઉતારી લીધા બાદ ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો પણ ખાલી કરવા જણાવ્યું હતું. વારંવારનો સમય આપ્યા છતાંય દુકાનો ખાલી નહીં થતા પાલિકાની દબાણ ટીમ દુકાનો તોડવા પહોંચી હતી.
પાલિકાની ટીમે સવારે ૮ વાગ્યાથી દુકાનદારોને દુકાનો ખાલી કરવા માટે જણાવ્યું હતું છતાં પણ તેઓએ દુકાનો ખાલી કરી ન હતી. ચાર કલાક બેસી રહેલા દબાણ શાખાના કર્મીઓએ આખરે બળપ્રયોગ કરવાનું શરૂ કરતાં દુકાનોમાં બેઠેલા વેપારીઓને બહાર કાઢ્યા હતા. દરમ્યાન ગોરવા પોલીસ મથકના પીએસઆઈ સાથે દુકાનદારોએ હાથાપાઈ શરૂ કરી અને તેઓ પર હુમલો કર્યો હતો.
એક સાથે ૧૦થી ૧પ સ્થાનિકોએ પીએસઆઈને ઘેરી લઈને માર મારવાનું શરૂ કરી દીધું હતું જ્યારે પીએસઆઈએ સ્વબચાવમાં રિવોલ્વર કાઢીને ટોળાં પર તાકતા જ ટોળામાં નાસભાગ મચી હતી. સમગ્ર બનાવમાં પોલીસે કડકાઈથી મામલો સંભાળી લેતા દબાણ અધિકારીઓએ દુકાનો તોડવાની કામગીરી શરૂ કરી હતી.