સ્પેશિયલ પી.પી.ની કરાઈ નિમણૂક : દર ૧પ દિવસે થશે રિવ્યૂ
(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૧
ડીસામાં મૂકબધીર સગીરા પર દુષ્કર્મ આચરી તેની ક્રૂર હત્યા કરવાના ચર્ચાસ્પદ બનાવ અંગે રાજ્ય સરકાર આક્રમક રૂખ અપનાવ્યો છે. દુષ્કર્મીને ફાંસીના માંચડે લટકાવી શકાય અને કેસમાં ઝડપથી ન્યાય મળે તે માટે ડીસાનો આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા અને તે માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવાની જાહેરાત આજે ગૃહ રાજ્યમંત્રીએ કરી હતી.
આજે ગાંધીનગરની કરાઈ પોલીસ એકેડમી ખાતે ગૃહરાજ્ય મંત્રી અને રાજ્યપોલીસ વડાની અધ્યક્ષતામાં પરેડ યોજાઈ હતી. જેમાં ૨૧ ઓક્ટોબરના રોજ પોલીસ શહાદત દિવસની યાદમાં આ પરેડ યોજાઈ હતી. પરેડમાં ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસ કર્મચારી અને અધિકારીઓનું સન્માન યોજાયું હતું. ત્યારબાદ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે, બનાસકાંઠામાં મૂકબધિર કિશોરી પર દુષ્કર્મ બાદ હત્યા અંગે કડક શબ્દોમાં આરોપીઓને ચેતવણી આ૫ી હતી.
આ અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, ડિસાની ઘટનામાં આરોપીઓને તાત્કાલિક સજા મળે તે માટે જરૂરી ફોરેન્સિકની અને બાકીની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે. રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે, જે નરાધમો આવી નાની દીકરીઓ પર દુષ્કૃત્ય કરે છે તેને ફાંસીનાં માંચડે લટકાવી શકાય તે માટે આ કેસને ફાસ્ટ ટ્રેકનાં માધ્યમથી ઝડપથી આ ચૂકાદો આવે તે માટે સ્પેશિઅલ અધિકારીઓ પૂરા પાડવા અને આ માટે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યૂટર આ કેસ લડશે. જે નરાધમો આ પ્રકારનાં દુષકૃત્ય કરે છે તેમને સખ્તાઇનો મેસેજ આપવા રાજ્ય સરકારે આ નિર્ણય લીધા છે. આ સાથે આવા કેસના રિવ્યૂ અને ઝડપથી આ કેસ ચાલે અને ઝડપથી કેસની સજા અપાય તે માટે રાજ્ય સરકારે આયોજન કર્યું છે. ડીસાના શિવનગરમાં રહેતી ૧૨ વર્ષીય મૂકબધિર કિશોરી ગૂમ હતી. જેની ફરિયાદ નોંધાતા મોડી રાત્રે હાઈવે પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં આ મૂકબધિર કિશોરીને બાઈક પર બેસાડીને લઈ જતો એક યુવક દેખાયો હતો. તો શનિવારે વહેલી સવારે દાંતીવાડાના ભાખર ગામ પાસે અવાવરૂ પહાડી વિસ્તારમાંથી આ ૧૨ વર્ષીય કિશોરીની ગળું કાપી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. કિશોરીનું ધડથી અલગ કરી દીધેલું માથું ૨૦ ફૂટ દૂરથી મળી આવ્યું હતું. પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તળાવમાં મનરેગાની કામગીરી ચાલતી હોનાથી મજૂરોએ શનિવારે સવારે આઠ વાગે કિશોરીનો માથા વગરનો મૃતદેહ જોયો હતો. કિશોરી અને આરોપી ૨૪ વર્ષનો નીતિન માળી સગા મામા-ફોઇનાં ભાઇ બહેન હતાં. ડીસા સિવિલમાં પેનલ ડોકટર દ્વારા પીએમ કરાયું હતું. આ કિશોરીનાં પરિવારની માંગણી છે કે, આરોપીને ફાંસીની સજા થાય. પ્રાથમિક પૂછપરછમાં નીતિન કિશોર માળી (૨૪)એ કબૂલાત કરી હતી કે, કિશોરીનો રેપ કર્યા બાદ તેનો ગુનો છતો ન થાય તે માટે તીક્ષ્ણ લાંબી છરી વડે ગળું કાપી હત્યા કરી છે.