દૂષિત પાણીની સમસ્યાથી કંટાળી ગયેલ લોકોએ વોર્ડ કચેરીમાં દૂષિત પાણીની બોટલો ઊંધી કરી

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૩
સ્માર્ટ સીટી બનવા જઇ રહેલ વડોદરા શહેરમાં શુદ્ધ પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. શહેરનાં અનેક વિસ્તારોમાં દુષિત પાણી આવતું હોવાની બૂમો ઉઠવા પામી છે. દુષિત પાણીને પગલે રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત સેવાઇ રહી છે. તેમ છતાં સેવાસદનનાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. દૂષિત પીવાનાં પાણીને મામલે તાંદલજાનાં રહિશોએ વોર્ડ નં.૧૧ની કચેરીએ પહોંચી જઇ દૂષિત પાણી ભરી તાળા બંધી કરી હતી. ફતેપુરા, કાલુપુરા સુધરાઇ સ્ટોર સહિતનાં વિસ્તારોમાં પણ દૂષિત પાણી આવતું હોવાથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઇ ગયા છે. સેવાસદન દ્વારા ઉઘરાવવામાં આવતા પાણી વેરા ભરવામાં આવે છે તેમ છતાં રહીશોને શુદ્ધ પીવાનું પાણી આપવામાં સેવાસદન પાણી બતાવી શકી નથી. તાંદલજા વિસ્તારની મોમીનપાર્ક, અમઝદપાર્ક સહિતની અનેક સોસાયટીઓમાં કેટલાક ઘણા દિવસોથી પીવાનું પાણી દુષિત આવે છે. આ અંગે સેવાસદનનાં તંત્રને અવારનવાર રજુઆત કરવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. જેથી દૂષિત પાણીથી ત્રાસેલા રહીશોનો મોરચો આજે વોર્ડ નં.૧૧ ની કચેરીએ પહોંચ્યો હતો. જ્યાં રહીશોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો. રજુઆત કરવા પહોંચેલા રહીશોને કોઇ જવાબદારી અધિકારી નહીં મળતા રહીશોએ રોષે ભરાઇને પોતાની સાથે લાવેલા દૂષિત પાણીની બોટલો વોર્ડ કચેરીમાં ઉંધી કરી દીધી હતી. તેમજ વોર્ડ કચેરીને તાળા બંધી કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, જો પાણીનો નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. શહેરનાં ફતેપુરા, કાલુપુરા સુધરાઇ સ્ટોર વિસ્તારોમાં પણ છેલ્લાં કેટલાક દિવસથી પીવાનું પાણી દુર્ગંધવાળું આવતું હોવાથી સ્થાનિક રહીશોને પૈસા ખર્ચીને પીવાનાં પાણીનાં જગ ખરીદવા પડે છે. દુર્ગંધ મારતા પીવાનાં પાણીથી વિસ્તારમાં અનેક લોકો બિમાર હોવાનું પણ જાણવા મળ્યું છે. દુષિત પાણીને ઉકેલ લાવવા માટે લોકોએ સેવાસદનનાં તંત્ર અને ચુંટાયેલા કોર્પોરેટરોને રજુઆતો કરી છે તેમ છતાં કોઇ ઉકેલ લાવવામાં આવ્યો નથી. સેવાસદન રોગચાળો ફાટી નિકળે તેની રાહ જોઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks