દેશના મુખ્ય ન્યાયાધીશને મળવા ગયેલા મોદીના મુખ્ય સચિવને વીલા મોંઢે પાછા ફરવંુ પડ્યું

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રા વિરૂદ્ધ પત્રકાર પરિષદ યોજી સુપ્રીમ કોર્ટના ચાર જજો દ્વારા ગંભીર આક્ષેપો કરાયાના એક દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા મુખ્ય ન્યાયાધીશને મળવા ગયા હોવાના અહેવાલ મળ્યા હતા. જોકે, મુખ્ય ન્યાયાધીશે તેમને મળવાનો ઇન્કાર કરી દીધો હતો તથા મળવા માટે એપોઇન્ટમેન્ટ પણ આપી નહોતી તેવા અહેવાલો મળ્યા હતા. જસ્ટિસ દીપક મિશ્રાના ઘરે મીડિયાનો જમાવડો જોવા મળ્યો હતો પરંતુ તેમણે કોઇને કાંઇ જવાબ નહીં આપવાનું નક્કી કરી લીધું હતું.
બીજી તરફ કોંગ્રેસે વડાપ્રધાન મોદીના નિર્ણયની ટીકા કરતા કહ્યું છે કે, તેમણે મુખ્ય ન્યાયમૂર્તિને મળવા માટે મુખ્ય સચિવને મોકલવાની જરૂર નહોતી. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટિ્‌વટ કરી સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે ટિ્‌વટમાં લખ્યું કે, મુખ્ય સચિવને ખાસ સંદેશવાહક તરીકે સીજેઆઇને મળવા ંમોકલવા માટે વડાપ્રધાન જવાબ આપે. જસ્ટિસ ચેલમેશ્વરના ઘરે પત્રકાર પરિષદ યોજાયા બાદ સીપીઆઇને ડી રાજાએ આ ઘટનાની ટીકા કરી હતી ઉપરાંત તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, શા માટે વડાપ્રધાને મુખ્ય ન્યાયાધીશને મળવા માટે મોકલવા મુખ્ય સચિવની પસંદગી કરી.
શુક્રવારે સુપ્રીમ કોર્ટના ચાર જજોએ ઐતિહાસિક પત્રકાર પરિષદ કરી હતી અને દેશની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની કાર્યશૈલી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. વરિષ્ઠ જજ ચેલમેશ્વરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, અમારા ચારેય માટે આ ઘણા દુઃખનો સમય છે અને આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં અમને કોઇ ખુશી નથી થઇ રહી. અમે નથી ઇચ્છતા કે ૨૦ વર્ષ બાદ કોઇ એમ કહે કે, ચારેય જજોએ પોતાનો આત્મા વેચી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં બધું બરોબર ચાલી રહ્યું નથી અને પાછલા દિવસોમાં ઘણું બધું થયું છે જે થવું જોઇતું નહોતું. બીજી તરફ જસ્ટિસ ગોગોઇએ જણાવ્યું હતું કે, જજ લોયાના રહસ્યમય મોતનો કેસ પસંદગીના જજને સોંપવા અંગે તેઓ નારાજ છે. લોયા સોહરાબુદ્દીન શેખના એન્કાઉન્ટરના કેસની સુનાવણી કરી રહ્યા હતા જેમાં ભાજપના હાલના પ્રમુખ અમિત શાહની સંડોવણી હતી. અને તેમના મોતના બે અઠવાડિયામાં જ અમિત શાહને નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટના ચાર જજ દ્વારા પત્રકાર પરિષદ યોજીને ગઇકાલે શુક્રવારે ન્યાયિક ક્ષેત્રમાં ખળભળાટ મચાવી દીધા બાદ હવે આ વિવાદને ઉકેલી દેવાના પ્રયાસ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યા છે. આજે સવારે મોદીના મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા દિપક મિશ્રાને મળવા માટે પહોંચી ગયા હતા. તેમને મુખ્ય ન્યાયાધીશના આવાસની બહાર નજરે પડ્યા હતા. અલબત્ત સુત્રોએ કહ્યુ છે કે મિશ્રા મુલાકાત માટે પહોંચી ગયા હતા પરંતુ વાતચીત થઇ શકી ન હતી. બીજી બાજુ પોતાના આવાસથી બહાર નિકળતી વેળા એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યુ છે કે સમગ્ર મામલાને વહેલી તકે ઉકેલી લેવામાં આવશે. સરકાર વિવાદને લઇને વાતચીતનો દોર આગળ વધારી રહી છે. શુક્રવારના દિવસે પણ એટર્ની જનરલ અને સીજેઆઇ વચ્ચે વાતચીત થઇ હતી. દેશના ઇતિહાસમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટના જજના આંતરિક મામલો સપાટી પર આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના જજ વચ્ચે વિવાદ મિડિયાની સામે આવ્યા બાદ દેશમાં ભારે હોબાળો થયેલો છે. સમગ્ર વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટની બાર એસોસિએશન દ્વારા પણ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં પણ તમામ પાસા પર વિચારણા કરવામાં આવી હતી. જજ તરફથી પત્રકાર પરિષદ યોજીને સીજેઆઇ પર ગંભીર આરોપો મુકવામાં આવ્યા બાદ આ અંગે પ્રતિક્રિયા આપતા એસોસિએશનના પ્રમુખ વિકાસ સિંહે કહ્યુ હતુ કે જો જજ મિડિયાની સામે આવ્યા હતા તો તેમને નક્કર વાત કરવાની જરૂર હતી. માત્ર લોકોના મનમાં શંકા પૈદા કરવાની બાબત ન્યાયતંત્રના હિતમાં નથી. વિકાસ સિંહે કહ્યુ હતુ કે જજે પોતાની પત્રકાર પરિષદ માટેની યોગ્ય રીતે યોજના તૈયાર કરી ન હતી. આ જજોએ જસ્ટીસ લોયા અંગે પણ કોઇ વિસ્તૃત વાતચીત કરી ન હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks