અમદાવાદ,તા.ર
ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે સફળતા હાંસલ કરનારી ૧૦પ હસ્તીઓની સફળતા મેળવવા કરેલી મહેનતના માહિતી સભર લેખથી બનેલી WHO’SWHO’ નામની કોફી ટેબલ પુસ્તકનું રવિવારે અમદાવાદમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભારતની પ્રથમ સ્પિકીંગ કોફી ટેબલના બુક લોન્ચિંગ પ્રસંગે બુકમાં જેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેવી ૧૦પ હસ્તીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ ૧૦પ હસ્તીઓમાં મણિયાર એન્ડ કંપનીના શફી મણિયારને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ડો. જે.ડી. સિંઘ દ્વારા લિખીત ‘WHO’SWHO of the industries Gujarat ’ નામની કોફી ટેબલ પુસ્તકનું અમદાવાદમાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ એરમાર્શલ આર.કે. ધીર, બ્રિટીશ હાઈ કમિશનર (ગુજરાત) જૈફ વૈન, નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડાયરેકટર હરિઓમ ગાંધી સહિતના અગ્રણીઓના હસ્તે સફળતાના સોપાનો સર કરનારા મણિયાર એન્ડ કંપનીના શફી મણિયાર સહિતના સફળ વીરોને પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.‘ગુજરાત ટુડે’ દૈનિકના ચાહક અને શુભેચ્છક શફી મણિયાર અને તેમની ટીમે કરેલી મહેનતથી મનિયાર એન્ડ કંપની સફળતાના શિખરો સર કરતી જઈ રહી છે. ત્યારે અત્યાર સુધી અનેક પ્રાદેશિક અને રાષ્ટ્રીય એવોર્ડ મેળવનારી મણિયાર એન્ડ કંપનીની સફળતાની યશકલગીમાં વધુ એક મોર પીછું ઉમેરાયું છે. ભારતની પ્રથમ સ્પિંકીંગ કોફી ટેબલ બુક માટે ગુજરાતમાંથી માત્ર ૧૦પ લોકોની જ પસંદગી કરવાની હતી. જેમાં મણિયાર કંપનીના ચેરમેન શફી મણિયાર પસંદગી પામ્યા તે મણિયાર એન્ડ કંપની અને પરિવારના આંગણે મીઠો અવસર જેવો પ્રસંગ બન્યો છે.
કોફી ટેબલ બુકના લોન્ચિંગ પ્રસંગે શફી મણિયારનું સન્માન કરવામાં આવ્યું ત્યારે તેમના ભાઈ ઈકબાલ મણિયાર પણ હાજર રહ્યા હતા. ‘ગુજરાત ટુડે’ના શુભેચ્છક એવા શફી મણિયારે મેળવેલી સફળતા પાછળ તેમની મહેનત અને પરિવારના સહકાર સિવાય કદાચ તે શકય ન હોત. ત્યારે પેલી પંકિતની જેમ ‘અડગ મનના મુસાફીરને હિમાલય પણ નથી નડતો’ તેમ મણિયાર કંપનીને આગળ વધારવા જે રીતે શફી મણિયારે જે યોગદાન આપ્યું છે તેના લીધે જ આજે તેઓ કંપનીને સફળતાના હિમાલય ઉપર લઈ ગયા છે. આશા રાખીએ કે તેઓ વધુને વધુ પ્રગતિના પંથે આગળ વધે અને દેશ અને સમાજની સેવા કરે.