વિશ્વમાં કોરોનાથી સંક્રમિત થવાનો આંકડો બે કરોડને પાર
સાજા થવાનો દર વધીને ૬૯.૩૩ થયો, દેશમાં એક દિવસમાં કોરોનાથી સાજા થવાની સંખ્યા સૌથી વધુ, કુલ કેસ ૨૨ લાખને પાર, મોતના આંકડાએ ૪૪ હજારની સપાટી વટાવી, ભારતમાં છેલ્લા છ દિવસથી અમેરિકા અને બ્રાઝિલ કરતાં પણ વધારે કેસ
(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડ ૬૨ હજારથી વધુ કેસો આવ્યા બાદ કુલ કેસોનો આંકડો ૨૨ હજારને પાર ગયો છે. સરકારે જણાવ્યું કે, રોગચાળાની શરૂઆતથી અત્યારસુધી મોતનો આંકડો વધીને ૪૪ હજારને પાર ગયો છે. જ્યારે ૧૫.૩ લાખ દર્દીઓએ કોરોનાને માત આપી છે. ઉપરાંત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, એક દિવસમાં રોગચાળાથી સાજા થવાનો દર સૌથી વધુ ૬૯.૩૩ ટકા નોંધાયો છે. દેશના વિવિધ ભાગોમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૧૦૦૭ લોકો મૃત્યુ પામ્યા છે. ઉપરાંત દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૪,૮૫૯ દર્દીઓએ ભયાનક રોગચાળાને માત આપી છે અને પોતાના ઘરે પરત ફર્યા છે. સાજા થનારા દર્દીઓએ એક્ટિવ કેસોની સંખ્યા વચ્ચે માત્ર નવ લાખનું અંતર રાખ્યું હતું. સાથે જ મૃત્યુદર ઘટીને બે ટકા થવા પામ્યો છે.
દરમિયાન વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંકડો બે કરોડની સંખ્યાને વટાવી ગયો છે. આને આ આંકડો વધીને ૨,૦૭૨,૭૦૦થી વધુ થઇ ગયો છે. રોગચાળાથી સૌથી વધુ પ્રભાવિત ત્રીજો દેશ ભારતમાં પ્રથમ નંબરે રહેલા અમેરિકા અને બીજા નંબરના બ્રાઝિલ કરતા પણ છેલ્લા છ દિવસમાં વધુ કેસો આવ્યા છે. ભારત હવે કેસો મામલે બ્રાઝિલ કરતા માત્ર આઠ લાખ કેસ પાછળ છે અને આજ ગતિ રહેશે તો ઓગસ્ટ માસમાં જ તે બ્રાઝિલને પાછળ રાખીને બીજા નંબરે આવી શકે છે. સતત ચોથા દિવસે ભારતમાં કોરોનાના કેસ ૬૦ હજારને પાર રહ્યા છે. દેશમાં કોરોનાના આંકડા ૧૦ લાખથી ૨૦ લાખ પહોંચવામાં માત્ર ત્રણ અઠવાડિયાનો સમય લાગ્યો છે. ૩૦મી જાન્યુઆરીએ કેરળમાં પ્રથમ કેસ આવ્યા બાદ ૧૯૩ દિવસમાં ભારતમાં કોરોનાના કેસ ૨૨ લાખની સપાટી વટાવી ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૧૨હજારથી વધુ, આંધ્રમાં ૧૦ હજારથી વધુ, તમિલનાડુ અને કર્ણાટકમાં પાંચ હજારથી વધુ, ઉત્તરપ્રદેશમાં ૪૫૦૦થી વધુ અને બિહારમાં ૪૧૦૦થી વધુ કેસો નોંધાયા છે. દેશના ૮૨ ટકા મોત મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પશ્ચિમબંગાળ, ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાંથી છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ , આંધ્રપ્રદેશ, કર્ણાટક અને દિલ્હીમાં દેશના કુલ ૬૧.૫ ટકા કોરોનાના કેસ અને કોરોનાથી મૃત્યુનો દર ૭૨.૧૬ ટકા નોંધાયો છે. આ પાંચ રાજ્યોમાં કોરોનાના ૧૩.૬૩ લાખ કેસ અને ૩૨,૦૨૯ મૃત્યુ નોંધાયા છે.