દેહરાદૂનમાં મસ્જિદના સમારકામનું કામ બજરંગ દળના સભ્યોએ અટકાવ્યું; મસ્જિદને સીલ કરવાની ધમકી આપી

મુસ્લિમ સેવા સંગઠને જણાવ્યું કે, મસ્જિદ કાયદેસર રીતે અધિકૃત છે અને તમામ સંબંધિત
દસ્તાવેજો ડેવલપમેન્ટ ઓથોરિટી (વિકાસ સત્તામંડળ)ને સોંપી દેવામાં આવ્યા છે

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત સેવલા કલાનમાં આવેલી એક મસ્જિદમાં ચાલી રહેલા સમારકામ (ગ્રાઉટિંગ)ના કામને બજરંગ દળના સભ્યોએ હોબાળો મચાવીને અટકાવી દીધું હતું. આ જૂથના રાજ્ય પ્રમુખ વિકાસ વર્માના નેતૃત્ત્વમાં પહોંચેલા સભ્યોએ દાવો કર્યો કે, આ માળખું ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું છે અને તેમણે મસ્જિદને સીલ કરવાની ધમકી પણ આપી હતી. વર્માએ આરોપ લગાવ્યો કે, આ માળખાની કાયદેસરતા પર સવાલો હોવા છતાં મસ્જિદનું ત્રણ માળ સુધી બાંધકામ કરવામાં આવ્યું છે. તેમણે માંગ કરી કે મસૂરી-દેહરાદૂન ડેવલપમેન્ટ ઓથોરિટી (MDDA) આ બાબતે તપાસ કરે અને જો કોઇ નિયમભંગ જણાય તો કાર્યવાહી કરે. સ્થાનિક અહેવાલો અનુસાર મસ્જિદના ત્રીજા માળે સમારકામ (ગ્રાઉટિંગ)નું કામ ચાલી રહ્યું હતું. બજરંગ દળના સભ્યો ત્યાં પહોંચ્યા અને બળજબરીથી કામ અટકાવી દીધું. તેમણે દાવો કર્યો કે, આ બાંધકામ રસ્તા પર અતિક્રમણ કરીને કરવામાં આવ્યું છે, જેના કારણે અવરજવર કરનારા લોકોને મુશ્કેલી પડી રહી છે. વર્માએ આરોપ લગાવ્યો, ‘અમે ૨૦૧૭માં આ ગેરકાયદેસર બાંધકામ અંગે ફરિયાદ કરી હતી. હવે તે ત્રણ માળ સુધી પહોંચી ગયું છે. સેવલા કલાન હિન્દુ બહુલ વિસ્તાર છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે, મસ્જિદના સંચાલકો તેમને તેમના ઘર ખાલી કરીને અન્યત્ર જતા રહેવા માટે કહી રહ્યા છે.’જો કે, મુસ્લિમ સેવા સંગઠનના પ્રતિનિધિઓએ આ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે, મસ્જિદમાં જે કામ થઇ રહ્યું હતું તે માત્ર સમારકામ હતું, કોઇ નવું બાંધકામ નહોતું. સંગઠનના પ્રમુખ નઇમ કુરેશી અને ઉપપ્રમુખ આકિબ કુરેશીએ જણાવ્યું કે, મસ્જિદ કાયદેસર રીતે અધિકૃત છે અને તમામ સંબંધિત દસ્તાવેજો ડેવલપમેન્ટ ઓથોરિટીને પહેલેથી જ જમા કરાવી દેવામાં આવ્યા છે. આ પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર છતમાંથી પાણીનું લીકેજ રોકવા માટે સમારકામ કરવામાં આવી રહ્યું હતું. તેમણે કહ્યું કે, લીકેજની સમસ્યા ઉકેલવા અને ઇમારતને વધુ નુકસાન થતું અટકાવવા માટે આ કામ જરૂરી હતું. આ ઘર્ષણ બાદ MDDA પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્ડ્ઢડ્ઢછના સચિવ મોહન સિંહ બર્નિયાએ કહ્યું, ‘ફરિયાદ મળ્યા બાદ નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે.’ સોશિયલ મીડિયા વપરાશકર્તાઓએ બજરંગ દળની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા આ ઘટનાના ઓનલાઇન વાયરલ થયેલા વીડિયોને લઇને સોશિયલ મીડિયા વપરાશકર્તાઓએ ટીકા કરી છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, ઇમારતોની કાયદેસરતા અંગેના વિવાદોમાં ખાનગી જૂથોને હસ્તક્ષેપ કરવાનો અને ધાર્મિક માળખાઓને સીલ કરવાની કે તોડી પાડવાની માંગ કરવાનો અધિકાર કોણે આપ્યો ? ‘X’ (ટિ્‌વટર) પર એક વપરાશકર્તાએ લખ્યું, ‘આ લોકો માત્ર નફરત ફેલાવી રહ્યા છે અને બિનજરૂરી સાંપ્રદાયિક તણાવ ઊભો કરી રહ્યા છે. અનધિકૃત બાંધકામ અંગેની ફરિયાદો સંબંધિત સત્તાવાળાઓને કરી શકાય છે પરંતુ તપાસ સીલિંગ કે તોડી પાડવા અંગેના નિર્ણયો કાયદા અનુસાર સક્ષમ સરકારી એજન્સીઓ દ્વારા જ લેવા જોઈએ.’ અન્ય એક વપરાશકર્તાએ સવાલ કર્યો કે, શું આ સંગઠન પાસે ધાર્મિક સ્થળોની તપાસ કરવાની કોઈ સત્તાવાર મંજૂરી કે અધિકાર છે ? તેમણે લખ્યું, ‘બજરંગ દળને કઈ સત્તાએ મંજૂરી આપી છે કે તેઓ મસ્જિદોના કાગળો તપાસી રહ્યા છે ? શું સરકાર પાસે એવા લોકો માટે કોઈ આદેશ છે જેઓ આવી તપાસ કરી રહ્યા છે ? આ બંધારણનું અપમાન છે. સુપ્રીમ કોર્ટે તાત્કાલિક આ બાબતે સંજ્ઞાન લેવું જોઈએ અને દોષિતોને જેલમાં મોકલવાનો આદેશ આપવો જોઈએ. અરે, હું તો ભૂલી જ ગયો હતો – મુખ્ય ન્યાયાધીશ (CJI) પણ ભાજપ સાથે પરામર્શ કર્યા પછી જ નિર્ણયો લે છે !’ત્રીજા એક વપરાશકર્તાએ ઉત્તરાખંડ પોલીસને ટેગ કરીને આ સંગઠનની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યો. તેમણે લખ્યું, ‘શું ધાર્મિક રમખાણો ભડકાવનારૂં સંગઠન ‘બજરંગ દળ’ મસ્જિદોમાં જઈને અને આવી હરકતો કરીને રમખાણો ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે ? જો અન્ય ધર્મના લોકો મંદિરોમાં જઈને આવું જ કંઈક કરે, તો તેમની સામે UAPA અને NSA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે; તો પછી રમખાણો ભડકાવનારા આ સંગઠનના પ્રમુખ સામે કાર્યવાહી કેમ નહીં ?’ આ અહેવાલ લખાયો ત્યાં સુધી પોલીસ કે અન્ય સત્તાવાળાઓ તરફથી આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks