દ્વારકાના ‘રાવલ’ ગામે ખેડૂતો દ્વારા અનોખો વિરોધ સંવેદનશીલ સરકારનું ધ્યાન દોરવા પાણી ભરાયેલા ખેતરોમાં તરણ સ્પર્ધા : વિજેતાને ઈનામમાં ‘લોલીપોપ’

 

• ચોમાસામાં અત્યાર સુધી રાવલ ગામ આઠ વાર બેટમાં ફેરવાયું • હજુ પણ ખેતરોમાં ૪થી ૬ ફૂટ પાણી : લોકોને ભારે હાલાકી : પાક નિષ્ફળ

અમદાવાદ, તા.ર
રાજ્યમાં થયેલા ભારેથી અતિભારે વરસાદને પરિણામે અનેક નદીઓમાં પૂર તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જો કે, સૌથી વધુ ચિંતા ખેડૂતો માટે ઊભી થઈ છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં ઊભો પાક ધોવાઈ ગયો છે તો હજુ પણ અનેક સ્થળોએ ખેતરોમાં પાણી ભરાયેલા છે જેને લીધે પાક બગડી ગયો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ સ્થિતિ દયનીય છે. ત્યારે આવી સ્થિતિમાં પણ પોતાને સંવેદનશીલ ગણાવતી રાજ્યની ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે કોઈ સંવેદના પ્રકટ નથી કરાઈ. ત્યારે દ્વારકાના ‘રાવલ’ ગામ ખાતે સંવેદનશીલ સરકારનું ધ્યાન દોરવા એક અનોખી સ્પર્ધા યોજવામાં આવી હતી. આ ચોમાસામાં આઠ વખત બેટમાં ફેરવાયેલ રાવલ ગામના ખેતરોમાં હજુ પણ ૪થી ૬ ફૂટ પાણી ભરાયેલ છે. જ્યાં ખેડૂતોએ તરણ સ્પર્ધા યોજી હતી. વળી આટલેથી પણ ન અટકતા ખેડૂતોએ સરકારનું ધ્યાન દોરવા ‘તરણ સ્પર્ધા’માં વિજેતા થયેલા ઉમેદવાર માટે લોલીપોપનું ઈનામ રાખવામાં આવ્યું છે.
રાજ્યમાં ચોમાસામાં ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં અનેક સ્થળોએ ધોધમાર ભારે વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ થયો છે. દ્વારકા પંથકમાં ભારે વરસાદને પગલે ‘રાવલ’ ગામ છેલ્લા છોઢ મહિનાથી પાણીમાં ગરકાવ થઈ ગયું છે જેને લઈને લોકોને અને ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે આ મામલે સરકારનું ધ્યાન ગયું ન હોય એવું ખેડૂતોને લાગી રહ્યું છે. ત્યારે પોતાને સંવેદનશીલ ગણાવતી સરકારની સંવેદના જગાડવા રાવલ ગામના ખેડૂતોએ ખેતરોમાં ભરાયેલા ૪થી ૬ ફૂટ જેટલા પાણીમાં તરણ સ્પર્ધા યોજી હતી જેમાં અનેક ખેડૂતોએ ભાગ લીધો હતો. વળી આ ‘તરણ સ્પર્ધા’ અનોખી અને સરકાર સામે કટાક્ષ સ્વરૂપ હતી. કેમ કે, આ સ્પર્ધામાં વિજેતા થયેલા ઉમેદવાર માટે લોલીપોપનું ઈનામ રાખવામાં આવ્યું હતું. હાલ ખેડૂતોનો પાક નિષ્ફળતાના આરે છે હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલું છે. ત્યારે આ અનોખા વિરોધ દ્વારા ખેડૂતોએ સહાયના નામે સરકાર લોલીપોપ ન આપે તેમ આડકતરી રીતે જણાવી દીધું છે. ત્યારે હવે પોતાને સંવેદનશીલ ગણાવતી સરકાર લીધા દુકાળ જેવી સ્થિતિમાં ખેડૂતો માટે ખરેખર કેટલી સંવેદનશીલ બને છે તે આવનાર સમય જ નક્કી કરશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks