(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૪
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટી તળીએ આવી ગઈ છે. ચોમાસાનો બીજા મહિનો શરૂ થો છતાં પણ ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેચમેન્ટ એરિયામાં વરસાદની હજી સુધી શરૂઆત ન થતા પરિસ્થિતિ ચિંતાજનક બની છે.
સિંચાઈ વિભાગ સુરત સર્કલના અધિકક્ષક મહાકાલ સાથે ટેલીફોનિક સંપર્ક કરતા જાણવા મળ્યું કે ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેચમેન્ટ એરિયામાં કયાય વરસાદ નોંધાયો નથી. તાપી નદીનો ૯૦ ટકા સ્ત્રાવ વિસ્તાર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આવ્યો છે. ઉપરવાસમાં હજુ સુધી ચોમાસાની સિસ્ટમ જ સક્રિય ન થતા વરસાદનો પ્રથમ રાઉન્ડ થયો નથી. સામાન્ય પણે તાપી નદીના કેચમેન્ટ એરિયામાં જુલાઈ અને ઓગસ્ટ મહિનો ચોમાસાનો પીઠ મહિનો કહેવાય આ બે મહિના દરમિયાન હથનુર ડેમથી ઉકાઈ ડેમમાં નોંધપાત્ર પાણીની આવક થતી હોય છે. આ વર્ષે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલ હથનુર ડેમમાં જ નવી આવક થઇ નથી. હવામાન વિભાગ દ્વારા પણ આગામી ૩-૪ દિવસ દરમિયાન ઉપરવાસમાં વરસાદની કોઈ આગાહી કરી નથી. હાલ ઉકાઈ ડેમની જળસપાટી ૨૮૫.૦૬ ફૂટ નોંધાઈ છે તે ખરેખર ચિંતાજનક સપાટી કહેવાય. ઉપરવાસમાં જા આગામી સપ્તાહમાં પણ સારો વરસાદ થાય તો ઉકાઈ ડેમમાં નવા નીર ઉમેરતા ઓછામાં ઓછા ૧૫ થી ૨૦ દિવસનો સમય લાગશે હથનુર ડેમથી ઉકાઈ સુધી તાપી નદી પર નાના મોટા આડબંધ ભરાતા વાર લાગશે. ત્યારબાદ ઉકાઈમાં નવા નીર આવશે. હાલની પરિસ્થિતિ જાતા ઉકાઈ ડેમમાંથી માત્ર પીવાની જરૂરિયાત માટેજ ૬૦૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યાં હોવાનું જાણવા મળે છે.