ધર્મમાં કોઈ બળજબરી નથી

રમઝાન સંદેશ-૨૦

ઈસ્લામે ધર્મના પ્રચાર-પ્રસાર અંગે માત્ર માર્ગદર્શન ઉપર જ તેનો સંતોષ ન માન્યો, બલ્કે સ્પષ્ટ રીતે તેના અનુયાયીઓને એ દર્શાવી
દીધું કે ઈસ્લામના પ્રચાર-પ્રસારમાં કોઈ પણ પ્રકારની બળજબરી કે અત્યાચાર વૈધ નથી.
“ધર્મની બાબતમાં કોઈ બળજબરી નથી. સાચી વાતને ખોટી વાતથી જુદી પાડી દેવામાં આવી છે.” (કુઆર્ન, ર : રપ૬)
હકીકત એ છે કે જે ધર્મએ પોતાના પ્રચાર-પ્રસાર માટે માત્ર આમંત્રણ અને આહ્વાનનો માર્ગ નિર્ધારિત કર્યો હોય, જેણે તે અંગેના સિદ્ધાંતો અને નિયમો દર્શાવ્યા હોય, જેણે બુદ્ધિ અને સમજ તથા વિવેક અને તત્વદર્શિતાની લોકોથી માંગ કરી હોય, ડગલે-ને-પગલે તર્ક, દલીલ અને શિષ્ટાચારની તાકીદ કરી હોય, તે ધર્મ કેવી રીતે અત્યાચાર, અતિરેક અને બળજબરીની પદ્ધતિ અપનાવી શકે ? ઈસ્લામ એ સર્વપ્રથમ ધર્મ છે, જેણે ન માત્ર ધર્મના બળજબરી પૂર્વકના પ્રસારને અપ્રિય ઠેરવ્યું, બલ્કે તેની ફિલસૂફી બતાવી કે ધર્મ બળજબરીની વસ્તુ જ નથી. ઈસ્લામનો આધાર-સ્તંભ ‘ઈમાન’(આસ્થા) છે, ઈમાન વિશ્વાસનું બીજુ નામ છે અને વિશ્વાસનો સંબંધ હૃદય સાથે છે. દુનિયામાં કોઈ શક્તિ કોઈના હૃદયમાં બળજબરીપૂર્વક વિશ્વાસનો એક અંશ પણ પેદા કરી શકતી નથી, બલ્કે તેજથી તેજ તલવારની ધાર પણ દૃઢ હૃદય ઉપર વિશ્વાસનો એક અક્ષર પણ અંકિત કરી શકતી નથી. કુઆર્નમાં ફરમાવવામાં આવ્યું,
“કહી દો, આ સત્ય છે, તમારા રબ (પ્રભુ અને પાલનહાર) તરફથી ! તો હવે જે કોઈ ચાહે, માની લે અને ચાહે તો ઈન્કાર કરી દે.”
(કુઆર્ન, ૧૮ઃર૯)
સત્ય અને અસત્ય, ઈમાન અને ઈન્કાર બંને સ્પષ્ટ છે, માર્ગદર્શન અને પથભ્રષ્ટતા પ્રશસ્ત કરી દેવામાં આવ્યા છે. બુદ્ધિ અને સમજ-બૂઝ રાખનારાઓ સ્વયં તેને સ્વીકારી લેશે અને અણસમજુઓ તેનાથી વંચિત રહી જશે. તેથી જ વારંવાર સ્પષ્ટ કરી દેવામાં આવ્યુ કે પયગંબરકે પયગંબરનું કર્તવ્ય માત્ર લોકો સુધી અલ્લાહના સંદેશને ખૂબીથી સ્પષ્ટ રૂપે પહોંચાડી દેવાનું જ છે, ન કે બળજબરીથી મનાવવાનું !
“પયગંબર ઉપર સંદેશ પહોંચાડી દેવા સિવાય કોઈ જવાબદારી નથી.” (કુઆર્ન, પ : ૯૯)
“હવે જો તેઓ ધ્યાન ન આપે તો અમે તમને તેમના ઉપર રખેવાળ બનાવીને તો મોકલ્યા નથી. તમારા ઉપર તો કેવળ સંદેશ પહોંચાડી દેવાની જ જવાબદારી છે.” (કુઆર્ન, ૪ર : ૪૮)
(ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ)

ઈસ્લામ એ સર્વપ્રથમ ધર્મ છે, જેણે ન માત્ર ધર્મના બળજબરીપૂર્વકના પ્રસારને અપ્રિય ઠેરવ્યું, બલ્કે તેની ફિલસૂફી બતાવી કે ધર્મ બળજબરીની વસ્તુ જ નથી. ઈસ્લામનો આધાર-સ્તંભ ‘ઈમાન’ (આસ્થા) છે, ઈમાન વિશ્વાસનું બીજું નામ છે અને વિશ્વાસનો સંબંધ હૃદય સાથે છે

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts